અમદાવાદ : PM નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. ત્યારે ગુજરાત માટે એક મોટી ખુશખબર આવી રહી છે. છેલ્લા ઘણાં સમયથી પેન્ડિંગ રહેલી ગુજરાત સરકારની માગણી આખરે અમેરિકાએ સ્વીકારી લીધી છે. હવે અમેરિકા જવા માગતા ગુજરાતીઓએ વિઝા લેવા માટે મુંબઈ નહીં જવું પડે.
મળતી માહિતી મુજબ, PM નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. દરમિયાન અમેરિકાના વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જણાવ્યું કે અમેરિકા હવે બેંગ્લુરુ અને અમદાવાદમાં બે નવા કોન્સ્યુલેટ (વાણિજ્ય દૂતાવાસ) ખોલશે. અધિકારીએ કહ્યું કે અમેરિકાએ ગત વર્ષે 1,25,000 ભારતીય વિદ્યાર્થીઓને વિઝા ઈશ્યુ કર્યા હતા. અધિકારીએ એમ પણ કહ્યું કે અમેરિકા હવે બેંગ્લુરુ અને અમદાવાદમાં નવા કોન્સ્યુલેટ્સ એટલે કે વાણિજ્ય દૂતાવાસ ખોલવાનો ઈરાદો ધરાવે છે.
હાલ, ભારતમાં અમેરિકાના કોન્સ્યુલેટ્સ નવી દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈમાં છે. ગુજરાત, દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાંથી અમેરિકાના વિઝા માટે અરજી કરનારા લોકોએ મુંબઈ જવું પડે છે. જો અમદાવાદમાં આ કોન્સ્યુલેટ શરૂ થાય તો અમેરિકાના વિઝા માટે ગુજરાતીઓને દર વખતે હવે મુંબઈ જવાની જરુર નહીં પડે.