અમદાવાદ : અમદાવાદ શહેરમાં હવે મુંબઈની જેમ એસી ડબલ ડેકર બસો પણ દોડાવવાનો નિર્ણય AMC તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. પ્રાથમિક ધોરણે અમદાવાદમાં 25 જેટલી ડબલ ડેકર બસો લાવવામાં આવશે અને તેને શહેરના વિવિધ રૂટો ઉપર દોડાવવામાં આવશે. જેથી મુસાફરો હવેથી ડબલ ડેકર બસોનો પણ આનંદ માણી શકશે.
AMC કમિશનર એમ. થેન્નારસને આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, 25 ડબલ ડેકકર ઈલેકટ્રીક એ.સી. બસ – AMTS / BRTSના રૂટો પર ઘસારો વધારે હોય તે રૂટો પર એકસાથે મહત્તમ પ્રવાસીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા મળે તે આશયથી ડબલ ડેકર ઈલેકટ્રીક એ.સી. બસો શહેરમાં સંચાલિત કરવાનું આયોજન છે. આ બસો દ્વારા ઓછી ફ્રિકવન્સીથી વધુ પેસેન્જરોને મુસાફરીનો લાભ આપી શકાય. આ બસો કેન્દ્ર સરકારની ફેમ ટુની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવશે.
આ ઉપરાંત 300 મીડી ઈલેકટ્રીક બસ એ.સી. 9 મીટર – AMTS / BRTS માં અમદાવાદના મહત્તમ પ્રવાસીઓને બસ સેવાઓનો લાભ મળે તે ધ્યાનમાં રાખી સરકાર દ્વારા 300 ઈલેકટીક એ.સી. બસો કેન્દ્ર સરકારની ફેમ ટુની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવશે. આ નવી ઈલેકટ્રીક બસો આવવાથી શહેરમાં પ્રદૂષણ ઘટશે તથા સરકારની ઈલેકટ્રીક પોલિસીને ગ્રીન કાર્બનનો લાભ મળશે.