અમદાવાદ : લોકોને છેતરવા માટે સાયબર ઠગ જાતજાતની તરકીબો શોધી રાખે છે. હવે તેઓ ફોનનું નેટવર્ક ગાયબ કરીને તમારા ખાતામાંથી રૂપિયા સેરવી લે છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા યુવકના મોબાઈલમાં બેંકમાંથી પૈસા કપાયાનો મેસેજ ના આવે તે માટે અજાણ્યા શખ્સે મોબાઈલનું સિમકાર્ડ બંધ કરાવી બેંક આઈડી અને પાસવર્ડ મેળવી લઈ ખાતામાંથી રૂ.13.88 લાખનું ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી ઠગાઈ કરતા યુવકે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ફ્રોડની ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોતામાં રહેતા મહેન્દ્ર સાધુ ઘાટલોડિયામાં કન્સ્ટ્રક્શનનું કામ કરે છે.ગત 17 જૂને તેઓ તેમની ઓફિસે હતા, ત્યારે તેમનું વોડાફોનનું સિમકાર્ડ અચાનક બંધ થઈ જતાં તેમણે વોડાફોન કંપનીમાં જઈ તપાસ કરી તો જાણવા મળ્યું કે, સિમકાર્ડ ખોવાઇ ગયાની ફરિયાદ મળતા સિમકાર્ડ બંધ કરી દેવાયું હતું. જેથી તેમણે તે સિમકાર્ડ ફરીથી ચાલુ કરાવ્યું. સિમકાર્ડ ચાલુ થતા જ બેંકના બે એકાઉન્ટમાંથી અલગ અલગ બે ટ્રાન્જેક્શનથી રુ.13.88 લાખ કપાયાનો મેસેજ આવ્યો હતો.
આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, કોઈ અજાણ્યા શખ્સે તેમના વોડાફોનનું સિમકાર્ડ ખોવાયાની કંપનીમાં ફરિયાદ કરી સિમકાર્ડ બંધ કરાવ્યા બાદ બેંક એકાઉન્ટના આઈડી પાસવર્ડ જાણી લઇ ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી ફ્રોડ કર્યું હતું. આ અંગે મહેન્દ્ર સાધુએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.