અમદાવાદ : જામનગરમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જામનગરમાં 25 વર્ષ જૂની હાઉસીંગની સાધના સોસાયટીનો ત્રણ માળનો એક બ્લોક પડી જવાની ઘટનામાં દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થતા નીચે દટાયેલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સાંજે મળેલા તાજા સમાચાર અનુસાર આ ઘટનામાં 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સિવાય પણ પાંચ લોકો સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ જામનગરમાં હાઉસિંગ બોર્ડની એવી સાધના કોલોનીમાં મકાન બ્લોક M-69 તૂટી પડ્યો હતો. આ બ્લોકમાં આશરે 6 ફ્લેટ હતા. મોટા ભાગના ફ્લેટમાં લોકો રહેતા હતા. આશરે 25 વર્ષ જૂનો આ બ્લોક ધરાશાયી થતા 3 લોકોનાં મોત થયા છે. જ્યારે પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ ઘટના સ્થળેથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હજુ પણ મોતનો આંક વધી શકે છે. બિલ્ડિંગ ધરાશાયી થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.
જામનગરની દુર્ઘટનાને લઈને અમદાવાદના હાઉસીંગ વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી છે, અમદાવાદમાં પણ 25 વર્ષ કરતા જૂની અનેક જર્જરિત હાઉસીંગ સોસાયટીઓ આવેલ છે જેમાં લાખો રહીશો જીવના જોખમે રહે છે. જામનગરની ઘટનાને લઈને અમદાવાદમાં પણ સોલા, નારણપુરા અને નવા વાડજના રહીશોમાં ડરનો માહોલ છે. એક હાઉસીંગ આગેવાનના જણાવ્યા મુજબ રહીશોના જીવ તાળવે ચોટ્યા છે. આ અગાઉ નારણપુરામાં પણ આ જ પ્રકારે પાણીના ટાંકી પડતા બે લોકોના મોત નિપજ્યા હતા.