અમદાવાદ : અમદાવાદમાં AMC દ્રારા મકરબા અંડરપાસમાં પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. આ પેઈન્ટિંગમાં ગાંધીજીના 3 પ્રતિકાત્મક વાંદરાને બદલે 4 વાંદરાની પેઇન્ટિંગ કરાતા વિવાદ સર્જાયો છે.AMC દ્વારા શહેરના બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરાઇ છે. વિવિધ બ્રિજ પર પેઇન્ટિંગ દોરવામાં આવી રહ્યું છે. ત્યારે મકરબા અંડરપાસ પર બનાવેલી 4 વાનરની પેઇન્ટિંગને લઇ વિવાદ જેવી સ્થિતિ સર્જાઇ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના મકરબા અંડરપાસ પર ગાંધીજીના 3 વાનર સાથે AMCએ ચોથો વાનર ઉમેરી દીધો છે. જેમાં તે મોબાઇલ હાથમાં લઇને બેઠો નજરે પડે છે. હવે અસમંજસની વાત એ છે કે આ વાનર શું સંદેશ આપી રહ્યો છે. મોબાઇલ લેવો જોઇએ કે ન લેવો જોઇએ ? અન્ય 3 વાનરની વાર્તા પ્રમાણે તેનો સંદેશો સ્પષ્ટ છે. પરંતુ આ નવા ચોથા વાનરની પેઇન્ટિંગ મારફતે શું કહેવા માગે છે, તે સ્પષ્ટ નથી થતું.
ગાંધીજી સત્ય અને અહિંસાના પુજારી હતા અને તેઓ પોતાના સિદ્ધાંતો માટે જાણીતા હતા ત્યારે ગાંધીજીના 3 વાંદરા આજે પણ ગાંધીજીની પ્રેરક કથા વર્ણવે છે પરંતુ AMC દ્રારા આ ત્રણ પ્રતિકૃત્તિ સાથે ચોથો વાંદરો ઉમેરી દેવામાં આવતાં વિવાદ સર્જાયો છે. સાંકેતિક રીતે આ વાંદરો મોબાઈલ જોતો હોય તેવું પેઈન્ટિંગ દોરવામાં આવ્યું છે.
જો કે સોશિયલ મીડિયા પર આ ચોથા વાનરને લઈને લોકો સંદેશ આપતા પણ જોવા મળે છે. જેમા એક વ્યક્તિ સંદેશ આપી રહ્યા છે કે આ ચોથો વાનર છે એ આપણે સહુ છીએ. જે પોતાનો મોટાભાગનો કિમતી સમય ઈન્સ્ટાગ્રામ અને એફબીની રિલ્સ જોવામાં વેડફી રહ્યા છે. જો કે લોકો તો પોતપોતાની રીતે અર્થઘટન કરી રહ્યા છે પરંતુ મનપા શું સંદેશ આપવા માગે છે તે સ્પષ્ટ થતુ નથી.