અમદાવાદ : અમદાવાદના પોશ વિસ્તારો જેમ કે નારણપુરા, નવરંગપુરા, પકવાન ચાર રસ્તા, અખબારનગરમાં રહો છો તો તમારા સ્વાસ્થ્ય પર જોખમ છે, કારણ કે આ એવા વિસ્તારો છે, જ્યાં સૌથી વધુ ધ્વનિ પ્રદૂષણનું પ્રમાણ નોંધાયું છે. આ તમામ વિસ્તારોમાં 85 ડેસિબલ ધ્વનિનું પ્રમાણ નોંધાયું છે, એટલે કે 80 ડેસિબલથી પ્રમાણ વધુ જાય એટલે માણસ માટે જોખમી બને છે. આ વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણને દિલ્હીની સાથે સરખાવવામાં આવ્યું છે.
એક રિપોર્ટ મુજબ તાજેતરમાં અમદાવાદ શહેરમાં ગવર્નમેન્ટ સાયન્સ કોલેજમાં એન્વાયર્નમેન્ટ વિભાગમાં ભણતા વિદ્યાર્થીઓએ પોતાના પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ એક સર્વે કર્યો છે, જેમાં શહેરમાં અલગ-અલગ જગ્યાએ પિક અવર્સમાં ચાર રસ્તા પર ધ્વનિ પ્રદૂષણનું પ્રમાણ કેટલું હોય છે એનું ખૂબ જ બારીકાઈપૂર્વક અધ્યયન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધારે ધ્વનિ પ્રદૂષણ અમદાવાદમાં સાત જગ્યાએ નોંધાયું છે. સૌથી વધારે ધ્વનિ પ્રદૂષણ નારણપુરા અને નવરંગપુરામાં 85 ડેસિબલ છે. આ પછી અખબારનગર, નરોડા પાટિયા, ઘોડાસર ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા, કાલુપુર કોરિડોર પર ધ્વનિ પ્રદૂષણ 80 ડેસિબલ છે. જોકે પકવાન ઓવરબ્રિજ પર ધ્વનિ પ્રદૂષણને ઘટાડવા માટે 200 મીટર સુધી નોઈસ બેરિયર લગાડવામા આવ્યાં છે. તો પણ સ્થિતિ ચિંતાજનક જેવી જ છે, નોઈસ બેરિયરની કોઈ ખાસ અસર દેખાતી નથી.
સાયલન્ટ ઝોનમાં દિવસે 50 ડેસિબલ, રાત્રે 45 ડેસિબલ.,રહેણાક વિસ્તારમાં દિવસે 55 ડેસિબલ અને રાત્રે 45 ડેસિબલ, કોમર્શિયલ વિસ્તારમાં દિવસે 65 ડેસિબલ તથા રાત્રે 55 ડેસિબલ, ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં દિવસે 75 ડેસિબલ તથા રાત્રે 65 ડેસિબલ હોવું જોઈએ. આ સરકારનાં ધારાધોરણો પ્રમાણે લખેલા આંકડાઓ છે.
શહેરમાં નોઈસનું લેવલ 60થી 40 ડેસિબલ (ડેસિબલ જે અવાજ માપવાનો યુનિટ છે) હોવું જોઈએ. સાયલન્ટ ઝોન હોય, જેમ કે સ્કૂલ, મંદિર, દવાખાના, પોલીસ સ્ટેશન જેવી વિવિધ પ્રકારની જગ્યાઓ, જ્યાં 45થી 50 ડેસિબલ અવાજ હોવો જોઈએ.