અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાનો વિધિવત્ આરંભ થઈ ગયો છે. ત્યારે બીજી બાજુ આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોરના સમયે પૂર્વ વિસ્તારમાં મેઘરાજાએ બેટિંગ કરી હતી. ત્યારે સાંજના સમય પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજા વરસી રહ્યા છે. અમદાવાદના નવા વાડજ, રાણીપ, આશ્રમ રોડ, એસ.જી.હાઇવે ગોતા, ઇસ્કોન તેમજ સરખેજ સહિતના વિસ્તારમાં વરસાદની માહોલ જોવા મળ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આજ સવારથી અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. બપોર બાદ કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે સાંજના સમયે અચાનક શહેરના નવા વાડજ, રાણીપ, આશ્રમ રોડ, એસ.જી.હાઇવે ગોતા, ઇસ્કોન સહિતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આથી રસ્તાઓ પાણી પાણી થયા છે.
તમને જણાવી દઈએ કે 24 કલાકમાં ગુજરાતમાં 154 તાલુકામાં મેઘમહેર થઈ છે. સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 5 ઈંચથી વધુ નોંધાયો છે. જ્યારે 48 કલાકની વાત કરીએ તો ઉમરગામમાં 11 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. 24 કલાકમાં 20 તાલુકામાં 2 ઈંચથી સાડાચાર ઈંચ વરસાદ નોંધાયો છે. આજે પણ ગુજરાતમાં સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે.