અમદાવાદ: અમદાવાદમાં છેલ્લાં બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ બે દિવસથી વરસાદનું પ્રમાણ ઓછું છે.છતાંય ભુવા પડવાનો સીલસીલો યથાવત છે. શહેરમાં ફતેવાડી વિસ્તારમાં વધુ એક વિશાળ મસમોટો ભૂવો પડ્યો છે. જેમાં મસમોટું AMC ડમ્પર જ ફસાઇ ગયું હતુ. આ સિઝનમાં અત્યાર સુધી 70થી વધુ નાના મોટા ભુવા પડી ચૂક્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં પણ ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યુ હતુ. વારંવાર ભૂવો પડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. શહેરના ટોરેન્ટ સ્ટેશન પાસે રીચ મોંડ ગ્રાન્ડ બિલ્ડિંગની સામે ભૂવો પડતા AMCનું ડમ્પર ગરકી ગયું હતુ. આ જોતા લોકોમાં પણ અચરજ ફેલાયું હતુ.આ ઉપરાંત ભુવાને કારણે ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી. કોર્પોરેશનના તંત્રએ એક સપ્તાહ પહેલા પડેલા ભૂવાને માત્ર કોર્ડન કરવામાં આવ્યુ હોવાથી શહેરીજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે, આટલું મોટું ડમ્પર ભુવામાં ફસાઇ શકે તો, નાના વાહનોની તો શું વિશાત? હવે રસ્તા પર વાહન ચલાવવામાં પણ ધ્યાન રાખવું પડે તેવી પરિસ્થિતિ બની છે.શહેરમાં આ ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં 70થી વધુ નાના મોટા ભૂવા પડી ચૂક્યા છે. જે ઘણી જ ચિંતાનો વિષય છે.