અમદાવાદ : ચોમાસા દરમ્યાન રોગચાળો ફાટી ના નીકળે એ માટે AMCના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ મચ્છરોના બ્રીડિંગની ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે.જેના અનુસંધાને આજે આરોગ્ય વિભાગ દ્વારા પશ્ચિમ વિસ્તારમાં આવેલી ચાલુ કન્સ્ટ્રકશન સાઈટ ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું. સવારથી બપોર સુધીમાં ચાર જેટલી કન્સ્ટ્રક્શન સાઈટને સીલ મારવામાં આવી હતી.
AMCના આરોગ્ય વિભાગ દ્વારા આજે સવારથી બપોર સુધી પશ્ચિમ વિસ્તારમાં આવેલા ચાંદખેડા, ગોતા, ચાંદલોડિયા, પાલડી, વાસણા નવરંગપુરા, નારણપુરા ઘાટલોડિયા, સાબરમતી, મોટેરા સહિતના વિસ્તારોમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચાંદખેડા શિલ્પ એનેક્ષી કોમ્પ્લેક્સ, નવરંગપુરાના શાલીન સ્વસ્તિક કન્સ્ટ્રકશન, ઝવેરી ગ્રીન્સ, ગોતામાં શિલ્પ રેસીડેન્સી બાંધકામ સાઈટ ઉપર સૌથી વધારે મચ્છરોના બ્રિડિંગ મળી આવતા સાઈટને સીલ કરવામાં આવી હતી.
ચોમાસામાં વરસાદ બાદ શહેરમાં અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ખાસ કરીને નવી બનતી કન્સ્ટ્રક્શન સાઇટ અને એજ્યુકેશનલ સાઇટ ઉપર ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. નવી બાંધકામ સાઈટ ઉપર ખાસ કરીને લિફ્ટના અને ભોંયરાના ભાગમાં પાણી ભરાઈ રહે છે અને ત્યાં મચ્છરોની ઉત્પત્તિ વધુ થઈ શકે તેમ છે. જેથી આવી બાંધકામ સાઈટો ઉપર આજથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.