અમદાવાદ : શહેરના ન્યૂ રાણીપમાં એક મકાનમાં કિન્નરે બહુચર માતાજીનો ફોટો જોઈને તમે માતાજીના ભગત છો એટલે મને ભગવાને મોકલી છે. તેમ કહી દુ:ખ દુર કરવાની વિધી કરવાની વાત કરી કિન્નર એક જોડી કપડા અને રૂ.22 હજાર વિધીના નામે મૂકાવી તેને લઈને ફરાર થયો હતો. આ મામલે પરિવારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતા પ્રગ્નેશભાઇએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, 5મી જુલાઇના દિવસે તેઓ ઘરે હાજર હતાં. તે દરમિયાન સવારના 11 વાગ્યાની આસપાસ 40 થી 45 વર્ષની ઉંમરના માસીબા ઘરે આવ્યા હતાં. અને છેલ્લા કેટલાક સમયથી તેમના ઘરની દિવાલ પર બહુચરમાતાનો ફોટો લગાવેલ હતો. જે જોઇને કહેવા લાગેલ કે તમે બહુચરાજી માતાના ભગત છો અને ભક્તીમય વિચારો ધરાવો છો એટલે હું તમારા ઘરે આવેલ છું, મને માતાજીએ તમારા ઘરે મોકલી છે, મારે તમારા ઘરે વિધિ કરવી છે. જેનાથી તમારી બધી જ તકલીફો દૂર થઇ જશે.
આમ ફરિયાદીને વિશ્વાસમાં લઇ તેમની પત્ની અને પુત્ર એમ ત્રણેયને સામે બેસાડીને વિધિ કરવાનું શરૂ કર્યું હતું. ત્રણેય સભ્યોને વિધિના બહાને એક જોડી કપડા અને રોકડ રૂપિયા 22 હજાર જે કપડામાં મુકાવીને કપડા ઉપર દોરો બંધાવીને પોટલું બનાવ્યું હતું. અને ફરિયાદીના દીકરાને ઝાપા સુધી લઇ જઇ તેના હાથમાંથી પોટલું લઇ તેને ઘરે જતાં રહેવા માટે કહ્યું હતું.
જો કે પાછળ વળીને જોતો નહીં તેમ કહીને આરોપી આ પોટલું લઇને ફરાર થઇ ગયો હતો. થોડા સમય બાદ ફરિયાદીને તેની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થતાં તેમણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. હાલમાં પોલીસએ આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.