અમદાવાદ : અમદાવાદીઓ માટે આનંદના સમાચાર આવી રહ્યા છે, અમદાવાદીઓની જીવાદોરી સમાન AMTS એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરના છેવાડે આવેલા ચાંદખેડા, વટવા અને ઘોડાસર વિસ્તારમાં લોકોની અવરજવર માટેના રૂટ ફરી શરૂ કરવામાં આવ્યા છે. AMTS દ્વારા શરૂ કરાયેલા રૂટ નંબર 18, 42 અને 84/1 અગાઉ શરૂ હતા, જે કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને હવે ફરીથી શરૂ કરવામાં આવ્યા છે.
ગઈ કાલે સવારના ૧૦.૦૦ વાગ્યે શાહપુરના શંકર ભુવન ખાતે રૂટ નં. ૮૪/૧નું લોકાર્પણ કરાયું હતું. આ રૂટ લાલ દરવાજા ટર્મિનસથી ચાંદખેડાના રાજીવનગર સુધીનો છે, જે વાયા ખાનપુર, શાહપુર દરવાજા, લાલાકાકા મ્યુનિ. હોલ, જ્યૂપિટર મિલ કંપાઉન્ડ, દરિયાખાન ઘુમ્મટ ક્વાર્ટર્સ, શાહીબાગ અંડરબ્રિજ, સુભાષબ્રિજ સર્કલ, કેશવનગર ટાંકી, ધર્મનગર, ચિંતામણિ સોસાયટી, અચેર ડેપો, પાર્શ્વનાથનગર, ચાંદખેડા ગામ, ઉત્સવ કોર્નર અને કેશવ એપાર્ટમેન્ટ થઈને દોડશે. રૂટ નં. ૮૪/૧માં બે બસ મુકાઈ છે, જેની કુલ ૨૪ ટ્રીપ છે.
જ્યારે સવારના ૧૧.૦૦ વાગ્યે ઘોડાસર ગામ ખાતે રૂટ નં. ૪૨નું ઉદ્ઘાટન કરાયું હતું, જે નિગમ સોસાયટીથી શીલજ ગામ વચ્ચે દોડશે. આ રૂટ વચ્ચે ઘોડાસર ગામ, દક્ષિણી સોસાયટી, મણિનગર, પુષ્પકુંજ, આબાદ ડેરી, રાયપુર દરવાજા, લાલ દરવાજા, ગુજરાત કોલેજ, સી.એન. વિદ્યાલય, પોલિટેકનિક, આઝાદ સોસાયટી, માનસી કોમ્પ્લેક્સ, જજીસ બંગલો, સિંધુ ભવન, આંબલી ક્રોસ રોડ અને શીલજ સર્કલ વચ્ચે થઈને દોડશે. તંત્ર દ્વારા આ રૂટ પર ચાર બસ મુકાઈ હોઈ તેની કુલ ૩૨ ટ્રીપ થશે.
આ બંને બસરૂટ ઉપરાંત ગઈ કાલે સવારના ૧૧.૧૫ વાગ્યે સેક્ટર-૮ના શાલિગ્રામ ખાતેથી પેસેન્જર્સ માટે વધુ એક નોન-ઓપરેટિવ રૂટ નં. ૧૮ને સંચાલનમાં મુકાયો હતો. નિગમ સોસાયટીથી ઉજાલા સર્કલ (સરખેજ રેલવે ઓવરબ્રિજ) સુધી દોડનારી આ બસ વાયા સુરતી મંદિર, શાલિગ્રામ (સેક્ટર-૮), વટવા-ઈસનપુર ક્રોસ રોડ, નારોલ સર્કલ, ગ્યાસપુર એપ્રોચ, શાસ્ત્રીબ્રિજ એપ્રોચ, વિશાલા સર્કલ, જુહાપુરા અને સરખેજ બસસ્ટેન્ડ વચ્ચે થઈને દોડશે.
AMTS દ્વારા ગત તા. ૧ જુલાઈથી ભાડામાં વધારો કરાયો હતો. આ ભાડાવધારાના કારણે ધારણા મુજબ પેસેન્જર્સમાં ઘટાડો થયો છે, જોકે ઘટાડો થવા છતાં પણ તંત્રની આવક વધી છે. ભાડાવધારાના પગલે અનેક પેસેન્જર્સે AMTSની સુવિધામાં વધારો કરવાની માગણી કરી હતી. પેસેન્જર્સની આ માગણીને સાનુકૂળ પ્રતિસાદ આપતાં સત્તાધીશોએ લાંબા સમયથી બંધ પડેલા ત્રણ બસરૂટને ફરી શરૂ કર્યા છે.