દ્વારકા : ગુજરાતના સુપ્રિદ્ધ યાત્રાધામ દ્વારકામાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકાધીશ મંદિરમાં આવતા ભક્તો પર એક મોટો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે મુજબ, મંદિરમાં દર્શન માટે આવતા યાત્રિકો ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ કરી શકશે નહીં. મંદિરની બહાર આ સૂચના સાથેનું એક બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. આ નિર્ણય દેવસ્થાન સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે.
દ્વારકાધીશ મંદિરની બહાર લગાવવામાં આવેલા બોર્ડમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં સૂચના લખવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, શ્રી દ્વારકાધીશ જગત મંદિરમાં પધારતા સર્વ વૈષ્ણવોએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વસ્ત્રો પહેરવા અથવા જગત મંદિરની ગરિમા જળવાઈ રહે તેવા વસ્ત્રો પહેરીને જ મંદિરમાં પ્રવેશ કરવો. દેવસ્થાન સમિતિ દ્વારા કોઈ ભક્તોની લાગણીને ઠેસ ન પહોંચે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બનાસકાંઠાના અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરેલા ભક્તોને પ્રવેશ આપવા નહીં આવે તેવો નિયમ છે. અંબાજી મંદિર ટ્રસ્ટે મંદિરના પ્રવેશ દ્વાર પર બોર્ડ લગાવીને આ અંગેની માહિતી આપી છે. તો શામળાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.