અમદાવાદ : અમદાવાદમાં AMTS બસ દ્વારા આ વર્ષે પણ શ્રાવણ માસમાં ધાર્મિક સ્થળોના પ્રવાસ માટે નાગરિકો માટે વિશેષ ધાર્મિક પ્રવાસ બસ સેવા શરૂ કરવામાં આવશે. જોકે આ વર્ષે અધિક માસ અને શ્રાવણ માસ એમ બંને માસમાં શહેરીજનો શહેરના ધાર્મિક સ્થળોની મુલાકત કરી શકે તે માટે વિશેષ ધાર્મિક પ્રવાસ બસ શરૂ કરવામાં આવશે. શહેરીજનો બસ મારફતે અમદાવાદના 40 જેટલા મંદિરોના દર્શન કરી શકશે. તેમ AMTSના અધિકારીઓએ જણાવ્યું છે.
આ મંદિરોમાં જલારામ મંદિર, ઇસ્કોન મંદિર, પરમેશ્વર મહાદેવ (બોડકદેવ), ગુરૂદ્વારા ગોવિંદધામ, હરેકૃષ્ણ મંદિર (ભાડજ), સોલા ભાગવત વિદ્યાપીઠ, તિરુપતિ બાલાજી, વૈષ્ણોદેવી મંદિર, વિશ્વ ઉમિયાધામ (જાસપુર), ત્રિમંદિર, મહાકાળી મંદિર (દૂધેશ્વર), અક્ષર પુરૂષોત્તમ મંદિર, કેમ્પ હનુમાન મંદિર, નીલકંઠ મહાદેવ (અસારવા), ભીડભંજન હનુમાન, ચકુડિયા મહાદેવ, કર્ણમુક્તેશ્વર મહાદેવ, સિદ્ધી વિનાયક મંદિર (મહેમદાવાદ), લાંભા મંદિર, સોમનાથ મહાદેવ, જગન્નાથજી મંદિર, ભદ્રકાળી મંદિર સહિતના વિવિધ મંદિરોનો સમાવેશ થાય છે.
જે માટે લાલ દરવાજા, સારંગપુર, મણિનગર કે વાડજ ટર્મિનસ પરથી બસના પ્રવાસ માટે બુકિંગની સુવિધા મળી શકશે. મ્યુનિ. દ્વારા ધાર્મિક સ્થળના 5 પત્રક તૈયાર કરાયા છે. જે પૈકી કોઇપણ એક પત્રકમાં દર્શાવેલા સ્થળો પર જ દર્શન માટે બસ લઇ જવામાં આવશે. જે માટે સવારે 8.15 થી સાંજે 4.45 સુધીનો સમય રહેશે.
અમદાવાદના એક સ્થળેથી 40 પેસેન્જરો બસનું એડવાન્સ બુકીંગ કરાવી શકશે. AMTS બસ નક્કી કરેલા સ્થળેથી સવારે શ્રદ્ધાળુઓને લઈ જશે અને સાંજે નક્કી કરેલા સ્થળે પરત મૂકી જશે. જેના માટે 40 મુસાફરો માટે 2 હજાર 400 રૂપિયા ફિક્સ ભાડું નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે એક મુસાફરે 60 રૂપિયા ચૂકવવા પડશે.