ખેડા : દ્વારકાધીશ મંદિર બાદ ડાકોરના રણછોડરાયજી મંદિર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા સ્ત્રી અને પુરુષોએ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ અંગેની નોટિસ મંદિરમાં લગાવાઇ છે. જેમાં લખવામાં આવ્યું છે, ડાકોર મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરવા અપીલ છે.
ગુજરાતમાં પશ્ચિમ સંસ્કૃતિને તિજાંજલિ આપવાનો એક અનોખો પ્રયાસ દ્વારકામાંથી થયો છે. જગતમંદિર દ્વારકામાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, આ નિર્ણય પ્રમાણે હવે હવે કોઇપણ વ્યક્તિ ટુંકા કપડાં પહેરીને મંદિરમાં નહીં જઇ શકે. અહીં હવે ટૂંકાં વસ્ત્રો પર ‘NO ENTRY’ના બૉર્ડ પણ લાગ્યા છે. માહિતી પ્રમાણે, જગત મંદિર દ્વારકામાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ મંદિરની ગરિમા જાળવવા માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે, ભાવિક ભક્તોની લાગણીઓને ઠેસ ના પહોંચે તે માટે આ મહત્વનો નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યુ છે. આ નિર્ણયના બૉર્ડ પણ લગાવવામા આવ્યા છે, જેમાં દર્શનાર્થીઓને સૂચન આપતાં ગુજરાતી-હિન્દી-અંગ્રેજીમાં બેનરો સામેલ છે.
અગાઉ પણ આ પ્રકારે નિર્ણય લેવાયો હતો. જોકે આ વખતે ફરી ભક્તોને વિનંતી કરવામા આવી છે. આ અંગે ડાકોર ટેમ્પલ કમીટીના ઈનચાર્જ મેનેજર રવીન્દ્ર ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, ” ગુજરાતના યાત્રાધામમાં ટૂંકા વસ્ત્રો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. એ ડાકોર રણછોડરાયજી મંદિરમાં અગાઉ પણ આવો એક નિર્ણય લેવામાં આવ્યો હતો. અને આજે પણ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિર પ્રવેશ ન કરવા માટે વૈષ્ણવોને અપીલ કરવામાં આવી છે. અને તે બાબતના ટેમ્પલેટું ડાકોર મંદિર પરિસરમાં વૈષ્ણવોને માહિતગાર થાય તે માટે ચોંટાડવામાં આવ્યા છે. સાથેજ મંદિર દ્વારા પુરુષો માટે પીતાંબરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ મહિલાઓ ટૂંકા વસ્ત્રો જો પહેરીને આવે છે તો તેમને દર્શન કરવાની તકલીફ પડી શકે છે.”
મહત્વનું છે કે ગુજરાતના મોટાભાગના યાત્રાધામોમાં હવે મંદિરમાં દર્શન કરતી વખતે ટૂંકા વસ્ત્રો પહેરવાની મનાઈ ફરમાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ડાકોર મંદિરમાં પણ હાલ અપીલ કરવામાં આવતા હોવાના પેમ્પલેટ મંદિર પરિસરમાં ઠેર ઠેર ચોંટાડવામાં આવ્યા છે. જોકે અગાઉ પણ આવો એક નિર્ણય ડાકોર મંદિરમાં લેવામાં આવ્યો હતો. પરંતુ હવે મંદિર પ્રશાસન આ નિર્ણય અંગે મક્કમ થયું છે. અને ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓને રોકવામાં આવશે. તથા જો તે પુરુષ દર્શનાર્થી છે તો તેમની વ્યવસ્થા મંદિર પ્રશાસન તરફથી પીતાંબર સ્વરૂપે કરવામાં આવી છે. જ્યારે મહિલાઓને જો દર્શન કરવા હશે તો તકલીફ પડશે તેવી વાત પણ સામે આવી રહી છે.