અમદાવાદ : અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા મ્યુનિ. કમિશનર દ્વારા સ્વચ્છતા મામલે વધુ ધ્યાન આપવામાં આવે છે. જેના પગલે શહેરમાં ગંદકી અને ન્યુસન્સ તેમજ જાહેરમાં કચરો નાખતા વેપારીઓ સામે કાર્યવાહી કરવાના આદેશના પગલે શહેરના ચાંદલોડિયા અને થલતેજ વિસ્તારમાં જાહેર રોડ ઉપર ગંદકી કરેલી જોવા મળતા દુકાનો સીલ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ AMCની ઉત્તર-પશ્ચિમ ઝોનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા ચાંદલોડિયા અને થલતેજ વિસ્તારમાં જાહેર રોડ ઉપર ગંદકી કરેલી જોવા મળતા ચાંદલોડિયામાં શાયોના તિલક કોમ્પ્લેક્સમાં આવેલી ઋષિમુનિ કેમિસ્ટ અને થલતેજમાં સોનુ કી ચાલકી દુકાનને સીલ મારવામાં આવી હતી. 52 જેટલી જગ્યાઓને ચેક કરી 26ને નોટિસ આપવામાં આવી હતી. જ્યારે 5.5 કી.ગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂ. 31,500નો દંડ વસૂલ્યો છે. ઉપરાંત અન્ય વોર્ડમાં પણ ગંદકી કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા લોકો વિરુદ્ધ સીલ કરવાની કાર્યવાહી પણ ચાલુ છે.
બીજી તરફ જાહેરમાં કચરો અને કાટમાળ અનેક લોકો દ્વારા નાખવામાં આવે છે પરંતુ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ કેટલીક જગ્યાએ માત્ર નામની કાર્યવાહી કરવા નોટીસ આપી અને દંડ ફટકારવામાં આવે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઝોનના અને વોર્ડના કર્મચારીઓ દ્વારા કેટલીક જગ્યાએ આવી રીતે જાહેરમાં કચરો નાખવા અને ગંદકી બદલ દંડની કાર્યવાહી કરવાની વાત કરી પછી પોતાના વ્યવહાર લઈ અને દંડ કર્યા વગર ત્યાંથી નીકળી જતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે.