અમદાવાદ : આજે વહેલી સવારથી હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. શહેરના ટલાંક વિસ્તારોમાં ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વહેલી સવારથી શહેરના ગોતા, એસજી હાઈવે, ચાંદલોડિયા, મોટેરા, ચાંદખેડા, સાબરમતી, વંદે માતરમ રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે શહેરના શિવરંજની ચાર રસ્તા, વસ્ત્રાપુર, રાણીપ, ચાંદખેડા, જગતપુર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
આ અગાઉ મંગળવારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં માત્ર રામોલમાં જ્યારે પશ્ચિમ વિસ્તારમાં બોપલ, મકતમપુરા, વેજલપુર, આંબલી સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરના બાકી વિસ્તારોમાં છુટાછવાયા વરસાદી છાંટા અને ઝાપટુ પડ્યું હતું. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા બુધવારે સુરત, ભરૂચ, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.