અમદાવાદ : બુધવારે મધરાતે જે ગોઝારો અકસ્માત ઇસ્કોન બ્રિજ પર થયો જેમાં નવ લોકોના મોત થયા હતા બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. AMCએ અમદાવાદ શહેરમાં આવતા 84 બ્રિજ પર સીસીટીવી લગાવવાનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં AMC કમિશ્નરને શહેરના 84 જેટલા બ્રિજ પર CCTV કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગે AMC કમિશનરને જરૂરી સૂચના પણ આપી દેવામાં આવી છે. જ્યારે આ કેમેરા લગાવ્યા બાદ તેનું મોનિટરિંગ કંટ્રોલરૂમ સેન્ટર ખાતેથી કરાવવાની વ્યવસ્થા ગોઠવવાનું પણ કહેવામાં આવ્યું છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના જણાવ્યા અનુસાર ઈસ્કોન બ્રિજ પર અકસ્માત થયા બાદ AMC ના નેજા હેઠળ આવતા શહેરના 84 જેટલા બ્રિજ પર CCTV લગાવવાની સૂચના આપવામાં આવી છે. આ માટે તાત્કાલિક બજેટની જોગવાઈ કરીને CCTV લગાવવા તેમજ બ્રિજ પર આવેલા વીજ પોલને જેમ બને તેમ જલ્દી ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે. એસજી હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી હસ્તક આવે છે. જો સરકાર તરફથી અમને સોંપવામાં આવશે, તો અમે અહીં પણ CCTV ઈન્સ્ટોલ કરાવી દઈશું.
SG હાઈવે પર આવેલા ઈસ્કોન ફ્લાયઓવર પર રોડ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 13 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો બીજી તરફ અકસ્માત સર્જનારા તથ્ય પટેલની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.