અમદાવાદ : અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ઇસ્કોન અકસ્માતના આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આરોપી તથ્ય પટેલના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવશે. નોંધનીય છે કે, ગઈકાલે સાંજે પાંચ વાગે આરોપીની ધરપકડ કરાઈ હતી. આ તરફ ધરપકડ બાદ બન્ને આરોપીનું રી કન્સ્ટ્રકશન કરાયું હતું. આ સાથે આરોપી સાથે FSL તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરાઈ હતી.
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ઇસ્કોન અકસ્માતના આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.જેમાં સમગ્ર મામલે સુનાવણી પહેલા કોર્ટે આરોપીને પૂછ્યું કોઈ ફરિયાદ તો નથી ને ? જે સવાલનો જવાબ આરોપી તથ્ય પટેલે કોર્ટના પ્રશ્ન સામે નકારમાં જવાબ આપ્યો હતો. આ મામલે પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.કોર્ટમાં દલીલો થઈ હતી. આ કેસમાં કોર્ટે આરોપી તથ્ય પટેલનાં 24 તારીખ સાંજે 4 વાગ્યા સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. અને આરોપીનાં પિતા પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે અમદાવાદ પોલીસ દ્વારા અકસ્માતની ઘટનાને લઈ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદીનો કમિટીમાં સમાવેશ થાય છે. આ સાથે SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI અપૂર્વ પટેલ, SG-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI વી.બી.દેસાઈ, A ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પી.બી.ઝાલા, N ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI કે.પી.સાગઠીયા અને M ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એચ.જી.કટારીયાનો કમિટીમાં સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે બુધવારે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 3 પોલીસ કોન્સ્ટેબલ સહિત 10 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે.