અમદાવાદ : શનિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ શહેરના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સતત દોઢ કલાક સુધી ચાલેલા ભારે વરસાદે અમદાવાદ આખું ખોરંભે પાડી દીધું હતું. અને વરસાદમાં શહેર બેટમાં ફેરવાયું અને પાણીમાં ફસાતા અનેક વાહનો બંધ પડ્યા હતા. જે વાહનો લોકો રસ્તા પર જ મૂકીને ઘરે જતા રહ્યા હતા. રવિવારે વહેલી સવારે રસ્તા ઉપર અને બ્રિજ ઉપર બંધ વાહનોની કતારો જોવા મળી હતી.
શનિવારે પડેલ તોફાની વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારો પાણી-પાણી થઇ ગયા હતા. જેના કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટાભાગના વાહનો પાણીમાં ફસાવવાના કારણે બંધ પડ્યા હતા. તો અન્ય વાહનો પાણીમાં ફસાય નહીં અને બંધ ન પડે તેના માટે વાહન ચાલકો રસ્તા પર તેમજ કોમ્પ્લેક્ષમાં જ પોતાના વાહનો મૂકીને ઘરે ચાલતી પકડી હતી. જે વાહનો લેવા માટે વહેલી સવારથી લોકો પોતાના વાહન પાસે પહોચવા લાગ્યા હતા.
શહેરના એઇસી ચાર રસ્તા અને બ્રિજ સાથે શહેરમાં નરોડા પાટિયા, માણેકબાગ, સિંધુભવન, પકવાન, ઇસ્કોન, હેલ્મેટ સર્કલ, ઇન્કમટેક્સ, નરોડા, નિકોલ સહિત પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં જ્યાં રસ્તા પર પાણી ભરાયા ત્યાં લોકોના બંધ વાહનો રસ્તા પર જોવા મળ્યા હતા. તો કેટલાક વાહનો ડિવાઈડર પર ચડી ગયેલા પણ જોવા મળ્યા હતા. તો કેટલાક વાહન ચાલકો કોમ્પ્લેક્ષમાં વાહન મૂકીને ઘરે જતા રહ્યા હતા.