અમદાવાદ : અમદાવાદમાં એક પછી એક અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે, એસજી હાઇવેના ઈસ્કોન બ્રિજ બાદ ગત રાત્રે મણિનગરમાં કાર ચાલકે અકસ્માત સર્જાયો હતો જોકે જ્યાં અકસ્માત સર્જાયો હતો ત્યાં હાજર રહેલા લોકોએ સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવ્યો હતો. હવે અમદાવાદમાં આજે સવારે ઉસ્માનપુરા વિસ્તાર નજીક એક કાર ચાલકે રસ્તે ચાલનારા રાહદારીને ટક્કર મારી છે. આ વ્યક્તિને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ઉસ્માનપુરા નજીક આવેલી એસ્પાયર હોટલની સામે આજે સવારે એક રાહદારી રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન વેગેનાર કારના ચાલકે રાહદારીને અડફેટે લીધા હતા. આ અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જે બાદ આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ ઈજાગ્રસ્તની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આપને જણાવી દઈએ કે, ગઈકાલે રાત્રે અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલા જવાહર ચોક પાસે પ્રભુ એપાર્ટમેન્ટ સામે ગઈકાલે રાત્રે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી અને બાંકડા સાથે અથડાઈ હતી. જોકે, આ બાંકડા પર બેસેલા ત્રણ વ્યક્તિઓએ સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં કાર ચાલકને પહોંચી ઈજા પહોંચી હતી અને તે નશામાં ધૂત હોવાનું સામે આવ્યું હતું.