અમદાવાદ : ઈસ્કોન બ્રિજ 9 લોકોને ફુલ સ્પીડ કારથી મોતને ઘાટ ઉતારવાના અકસ્માત કેસમાં મહત્વનું અપડેટ સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માત સર્જનાર જેગુઆર કારનો એફએસએલ રિપોર્ટ આવી ગયો છે. જેમાં અકસ્માત સમયે તથ્ય પટેલ 142.5 કિમી/પ્રતિકલાકની ઝડપે કાર ચલાવતો હોવાની પુષ્ટિ થઈ છે. આ કેસમાં કારનો એફએસએલ રિપોર્ટ તથ્ય સામે ગાળિયા કસવા માટે મજબૂત પૂરાવો સાબિત થઈ શકે છે.
અમદાવાદના નબીરા તથ્યએ ગત બુધવારે રાત્રે બેફામ ઝડપે લક્ઝુરિયસસ જેગુઆર કાર દોડાવી અને તેના ખપ્પરમાં નવ કોડભરી જિંદહી હોમાઈ ગઈ. આ નબીરાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું હતું. તેણે ગત 03 જુલાઈની રાત્રે પણ અકસ્માત સર્જ્યો હતો. તથ્ય પટેલે અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સિંધુભવન રોડ પર થાર કાર બેફામ ચલાવીને કેફેમાં ઘુસાડી દીધી હતી. 3 જુલાઈએ 0093 નંબરની થારને તથ્ય પટેલે સિંધુ ભવન રોડ પરના એક કેફેમાં ઘુસાડી દીધી હતી. તથ્ય પટેલે સિંધુભવન રોડ પર આવેલ કેફેની દીવાલ તોડી નાખી હતી. એ સમયે તથ્ય પટેલ અને કેફેના સંચાલકે સમાધાન કરી લીધું હતું.
છેલ્લે મળતા સમાચાર મુજબ ચકચારી ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે આજે તથ્ય પટેલનાં રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારે પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરાતા કોર્ટે તથ્ય પટેલને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલ્યો હતો.