અમદાવાદ : રાજ્ય સરકારની ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી GMERS હેઠળ ખાનગી અને અર્ધસરકારી એવી 13 મેડિકલ કોલેજોની MBBS કોર્સની ચાલુ શૈક્ષણિક વર્ષ 2023- 2024ની ફીની જાહેરાત કરી છે. જેમાં મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે 17 લાખ, સરકારી ક્વોટાની બેઠકો માટે 5.50 લાખ તથા NRI ક્વોટાની બેઠકો માટે 25 હજાર યુએસ ડોલર ફી નક્કી કરવામાં આવી છે. આ ફી વધારાને લઇને ABVP દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ABVP એ આ અંગે GMERS સોલાના ડીનને આવેદન આપી ફી ઘટાડવા રજૂઆત કરી છે.
ABVPના પ્રદેશ મંત્રી યુતીબેન ગજરે જણાવે છે કે, GMERS કોલેજોમાં સરકારી કોટામાં 66.66 % નો વધારો અને મેનેજમેન્ટ ક્વોટામાં 88.88 % નો ફી વધારો વિધાર્થીઓના ભાવિ માટે અવરોધ સમાન સાબિત થશે. ગુજરાતની 13 GMERS જે જિલ્લાઓમાં આવેલ છે ત્યાં વિદ્યાર્થીઓ પાસે લગભગ બીજી કોઈ સરકારી તબીબી કોલેજો આવેલ નથી. મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ આ GMERS કોલેજોના આધારે જ પોતાના ભાવિ તબીબી જગતમાં પોતાનુ ભાવિ ઝંખતા હોય છે. પરંતુ આ કોલેજોમાં એક પરિપત્ર માત્ર થી ફી માં આટલો વધારો કરવો એ વિદ્યાર્થીઓને અન્યાય કરતો નિર્ણય છે. માટે ABVP દ્વારા મજબૂત રીતે આ નિર્ણય પાછો ખેંચવાની માંગ દરેક GMERS કોલેજોમાં કરવામાં આવી છે.