અમદાવાદ : અમદાવાદ શહેરનો ચોતરફ વિકાસ થઈ રહ્યો હોઈ સ્વાભાવિકપણે તે સિમેન્ટ-કોંક્રીટના જંગલમાં ફેરવાઈ ગયું છે. અમદાવાદમાં જીવન ધોરણ ઉચ્ચ સ્તરનું હોઈ અન્ય રાજ્યોના લોકો પણ રોજીરોટીની તલાશમાં સતત આવી રહ્યા છે. બીજી તરફ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં લોકોને ખાસ સંતોષ ન હોઈ અંગત વાહનોનો વપરાશ દિન-પ્રતિદિન વધતો જાય છે. આ બધાં કારણસર શહેરીજનોને ટ્રાફિક જામની સમસ્યા સતત સતાવતી રહી છે. આ મામલે છેક હાઈકોર્ટ સુધી રજૂઆતો થઈ હોઈ તેના ઓર્ડરના પગલે AMCના સત્તાવાળાઓએ એસ જી હાઇવે,સી જી રોડ, સિંધુ ભવન,સેટેલાઇટ સહિતના વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો તથા પાર્કિંગ વગેરે દૂર કરવાની દિશામાં ખાસ ચક્રો ગતિમાન કર્યાં છે.
અમદાવાદમાં આડેધડ પાર્કિંગ થતા વાહનોને કારણે અવાર નવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. ગુજરાત હાઇકોર્ટ પણ આ મામલે અનેક વખત ટકોર કરી ચુકી છે. જોકે, હવે AMC હાઇકોર્ટની ટકોર બાદ ઊંઘમાંથી જાગ્યુ હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં હવે આડેધડ પાર્કિંગ થતા વાહનોને કારણે એકમોને નોટિસ ફટકારવામાં આવશે. AMC દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ખાસ ડ્રાઇવ યોજવામાં આવશે. શોપીંગ સેન્ટરો, રેસ્ટોરન્ટો, કલબો, હોસ્પિટલો, એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટ, મોલ્સ, કોર્મશીયલ કોમ્પલેક્ષો ઓફિસ બિલ્ડિંગો, ધાર્મિક સ્થાનો, બગીચાઓ, પાર્ટી પ્લોટો વિગેરે જેવા એકમો કે જેની બહાર વાહનો પાર્કિંગ થતાં હશે તેવા એકમોના હોદ્દેદારોને નોટિસ આપવામાં આવશે.
શહેરના મહત્વના રોડ ગણાતા એવા એસ જી હાઇવે,સી જી રોડ, સિંધુ ભવન,સેટેલાઇટ સહિતના વિસ્તારમાં ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવશે. AMCએ સીજી રોડ, નારણપુરા ચાર રસ્તાથી શાસ્ત્રીનગર ચાર રસ્તા, પ્રભાત ચોકથી ગુજરાત હાઇકોર્ટ, એસજી હાઇવે, પકવાન ચાર રસ્તાથી કેશવબાગ સુધીના જાહેર રોડ પરના દબાણો દૂર કરવા એસ્ટેટ વિભાગના અધિકારીઓને જવાબદારી સોપવામાં આવી છે. આ જગ્યાઓ પર અધિકારીઓ રાઉન્ડ લઇ જાહેર રસ્તા ઉપરના ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવા તથા વહીવટી ચાર્જ પણ વસુલવામાં આવશે.