અમદાવાદ : અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ACBના છટકામાં સપડાયા છે. મળતી માહિતી મુજબ ફરિયાદીની અરજી સંદર્ભે કાર્યવાહી ના કરવા માટે લાંચ માંગી હતી. ફરિયાદી જોડે નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ 20 હજારની લાંચ માંગી હતી. જો કે ફરિયાદીએ સતર્કતાથી એન્ટી લાંચ રિશ્વત વિભાગનો સંપર્ક કરી આ બાબતે ફરિયાદ કરતા ACB દ્વારા લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ માટે છટકુ ગોઠવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ નારોલ પોલીસ સ્ટેશનના તાબા હેઠળ આવેલી કર્ણાવતી પોલીસ ચોકીમાં નિર્મલસિંહ હમલભાઈ પરમાર કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. નારોલમાં રહેતા એક યુવાન વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં મારામારીની અરજી થઇ હતી. જેની તપાસ કર્ણાવતી પોલીસ ચોકીના કોન્સ્ટેબલ નિર્મલસિંહ કરતા હતા. અરજીની તપાસમાં યુવાન સામે 151 (અટકાયતી પગલાં) હેઠળ કાર્યવાહી કરવાની હતી. જો કે નિર્મલસિંહે યુવાનની 151 કર્યા બાદ લોકઅપમાં નહીં રાખીને બારોબાર કોર્ટમાં રજૂ કરી દઈ જામીન ઉપર મુકત કરવાની વાત કરી હતી. જેના માટે નિર્મલસિંહે યુવાન પાસે રૂ.20 હજાર માગ્યા હતા. રકઝકના અંતે રૂ.4 હજાર નક્કી થયા હતા. પરંતુ યુવાન નિર્મલસિંહને પૈસા આપવા માંગતો ન હોવાથી તેણે ACBમાં ફરિયાદ કરી હતી.
દરમિયાનમાં નિર્મલસિંહે ગુરુવારે પૈસા લઈને યુવાનને કર્ણાવતી પોલીસ ચોકીમાં જ બોલાવ્યો હતો. આ અંગે યુવાને ACBના અધિકારીઓને જાણ કરતા તેમણે છટકું ગોઠવ્યું હતું. જેના ભાગ રૂપે યુવાન પોલીસ ચોકીમાં ગયો હતો અને નિર્મલસિંહ સાથે વાત કરીને તેને પૈસા આપતાંની સાથે જ ACBની ટીમે નિર્મલસિંહને ઝડપી લીધો હતો.