અમદાવાદ: શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર શરૂ કરાયેલી હેલિકોપ્ટર જોય રાઈડનો કોન્ટ્રાક્ટ રિન્યૂ થઈ ગયો છે અને હવે ફરીથી અમદાવાદીઓ ટિકિટ બુક કરાવીને શહેરને હવામાંથી જોઈ શકશે. 4 મહિના પહેલા અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવેલી જોચય રાઈડમાં તે સમયે 7500 જેટલા લોકોએ આનંદ માણ્યો હતો. ત્યારે હવે 12 ઓગસ્ટથી ફરી આ જોય રાઈડ શરૂ થશે.
હવે ફરી એક વાર 12 ઓગસ્ટથી નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર જોય રાઈડ ફરી શરુ થશે. 12 ઓગસ્ટથી ફરી એક વાર અમદાવાદના આકાશી નજારો માણી શકાશે. જો કે આ વખતે જોયરાઈડની ટિકિટમાં થોડા ફેરફાર છે. ગયા વખતે વ્યક્તિ દીઠ 2360 રુપિયા ટિકિટ હતી જે આ વખતે 2478 રાખવામાં આવી છે એટલે કે 118 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
એક રાઈડમાં 5 મુસાફરોને લઈ જવામાં આવશે અને અંદાજે 10 મિનિટ સુધી તેમને હેલિકોપ્ટરમાં અમદાવાદ શહેર બતાવવામાં આવશે. જોય રાઈડ માટે ઓનલાઈન બુકિંગ https://booking.aerotrans.in/ પરથી કરી શકાશે. દિવસ દરમિયાન હેલિકોપ્ટર 75 જેટલા મુસાફરો ટ્રિપ મારશે. દર શનિવારે-રવિવારે અને જાહેર રજાઓ દરમિયાન આ જોય રાઈડનો આનંદ શહેરીજનો માણી શકશે.
નોંધનીય છે કે, અમદાવાદ રિવકફ્રન્ટ પર સી-પ્લેન પ્રોજેક્ટ પાણીમાં ગયા બાદ જાન્યુઆરી 2022માં હેલિકોપ્ટર જોય રાઈડ શરૂ કરવામાં આવી હતી. આ માટે ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ (ગુજસેલ) 11 મહિના માટે એરોટ્રાન્સ સાથે સમજૂતી કરી હતી. જોય રાઈડનો રૂટ રિવરફ્રન્ટથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સાયન્સ સિટી સુધીનો નક્કી કરાયો હતો. હાલ પણ આ જ રૂટ રાખવામાં આવ્યો છે.