અમદાવાદ : અમદાવાદમાં ઈસ્કોન બ્રીજની ઘટના બાદ ગુજરાત પોલીસ ટ્રાફિક નિયમના પાલન થાય તે માટે વધુ એક્ટિવ થઈ છે. રાજ્યના પોલીસવડાના આદેશ બાદ દરેક જિલ્લાઓમાં પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. જેના અનુસંધાને અમદાવાદમાં એસજી હાઈવે પર પોલીસે ડ્રાઈવ હાથ ધરી હતી. શહેરમાં વધતા અકસ્માતોને પગલે ઓવરસ્પીડ અને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. જે તપાસ દરમિયાન એક કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. જે કારમાં એક યુવતી સહિત 2 લોકો સવાર હતા.
શહેર પોલીસે મોડી રાત્રે એસજી હાઇવે, સેટેલાઇટ અને સિંધુભવન પર ચેકિંગ હાથ દર્યું હતું. જેમાં JCP, DCP, ACP સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતા. શહેરમાં વધતા અકસ્માતના બનાવો ને લઈને સમગ્ર શહેરમાં પોલીસે એકાએક મેગા ડ્રાઇવનું આયોજન કર્યું હતું. બ્રેથ એનેલાઈઝર દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં પોલીસ જવાનો આ ડ્રાઈવમાં જોડાયા હતા.જે દરમિયાન એક ગાડીમાંથી દારૂની બોટલ ઝડપાઈ હતી. પોલીસની આ મેગા ડ્રાઈવના અનુસંધાને પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારા, ઓવર સ્પિડમાં વાહન ચલાવનારા, બ્લેક ફિલ્મ ચડાવેલા વાહનો પરથી બ્લેક ફિલ્મ હટાવી લઈ દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસના ચેકિંગ દરમિયાન પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન દારૂની બોટલ ઝડપી છે. પોલીસે કારમાંથી દારૂની બોટલ સાથે એક મહિલા અને એક પુરૂષને ઝડપી લીધા છે. મહિલા અને પુરૂષ બંને નશામાં હોવાની વાત સામે આવી છે જોકે આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે બંનેને સેટેલાઈટ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે.
અત્રે જણાવીએ કે, ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે સર્જેલા અકસ્માત બાદ પોલીસ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને સતત ડ્રાઈવ કરી બેફામ વાહન હંકારતા લોકો પર તવાઈ બોલાવી રહી છે.