અમદાવાદ : ગુજરાતમાં વધુ એક યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવ્યા છે. રાજકોટની ફેમસ મારવાડ યુનિવર્સિટી બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી પણ ગાંજાના છોડ મળી આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાના છોડ મળ્યા છે. યુનિવર્સિટીના D બ્લોક પાસેની જગ્યામાં ગાંજાના છોડ મળી આવ્યા છે. જેમાં 6 ફૂટ ઊંચો ગાંજાનો છોડ મળી આવ્યો છે. NSUI કાર્યકરોએ ગાંજાના છોડ પકડી પાડ્યા છે. ગાંજાના બે છોડ યુનિવર્સિટી D બ્લોક પાસે જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ છોડ જાતે જ ઉગી ગયો કે કોઈએ ઉગાડ્યો તે હવે તપાસનો વિષય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાંથી ગાંજાના છોડ મળી આવતા ગાંજાની ખેતી થતી હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના D બ્લોકની બાજુમાં ગાંજાના બે અલગ-અલગ છોડ મળી આવ્યા છે. વાતની જાણ થતાં યુનિવર્સિટી કેમ્પસમાં પણ મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં મળી આવેલો છોડ ગાંજો હોવાનો દાવો કરાયો છે. આમ, વિદ્યાના ધામમાં ગાંજાના છોડ મળતા અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટનાને પગલે ગુજરાત યુનિવર્સીટી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે, આવુ પહેલીવાર નથી થયુ કે ગુજરાતની યુનિવર્સિટીમાં ગાંજો મળી આવ્યો હોય. આ પહેલા પણ રાજકોટની પ્રખ્યાત મારવાડ યુનિવર્સીટીમાંથી પણ ગાંજાના છોડ મળી આવ્યા હતા.