અમદાવાદ : અમદાવાદ શહેરનાં ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માતમાં નવ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જે સમગ્ર દેશભરમાં ચર્ચામાં છે ત્યારે આ કેસમાં રોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આ કેસમાં એક એવી પણ વાત સામે આવી છે જે સાંભળીને તમારા મોંમાંથી વાક્ય સરી પડશે કે, આવું તે કોઇ કઇ રીતે કરી શકે. અકસ્માત બાદ રોડ પરથી મૃતકોના મૃતદેહો પણ ખસ્યા ન હતા તે પહેલા જ તથ્ય પટેલ સાથે કારમાં બેઠેલા અન્ય પાંચ મિત્રો ઘરે જતા પહેલા થલતેજ રોડ પરના એક આઉટલેટ પર નાસ્તો પણ કર્યો હતો. આ ચોંકાવનારી વિગતો તથ્ય પટેલ સામે દાખલ કરાયેલી ચાર્જશીટમાં સામેલ છે.
ચાર્જશીટ મુજબ, તથ્યના મિત્રો શ્રેયા વઘાસિયા, આર્યન પંચાલ, ધ્વની પંચાલ, શાન સાગર (સોની) અને માલવિકા પટેલ તે રાતે જગુઆરમાં હતા. આ કેસમાં તથ્ય ઉપરાંત તેના મિત્રોની પણ જે વર્તણૂંક સામે આવી રહી છે તે એક આઘાતજનક બાબત છે. એક સાક્ષીએ નિવેદનમાં જે વાત વર્ણવી તે જાણીને કોઈનું પણ લોહી ઉકળી જાય. તેણે કહ્યું કે અકસ્માત બાદ તથ્યને હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યારે પ્રજ્ઞેશે કારમાં રહેલા તેના મિત્રોને પરિવારને જણાવવાનું કહ્યું હતું. આર્યન, શાન, જુરમીલ સહિત કેટલાક મિત્રો ત્યારબાદ ઉદગમ ફૂડ સ્ટેશને ગયા અને નાસ્તો કરીને ઘરે ગયા હતા.
અહીં ખરેખર વિચારવા જેવી વાત છે કે આ કેવી પ્રકૃતિના માણસો કહેવાય? આટ આટલા નિર્દોષ લોકોએ દર્દનાક અકસ્માતમાં જીવ ગુમાવ્યા, અનેક માતાએ પોતાના વ્હાલાસોયા પુત્રોને ખોયા, પિતાએ આધાર ગુમાવ્યા ત્યારે આ નવી નવી જુવાની ફૂટેલા યુવાઓ આટલા નફ્ફટ કેવી રીતે બની શકે?
નોંધનીય છે કે, ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં આરોપી તથ્ય પટેલે કોર્ટમાં અરજી કરી હતી. જેલમાં જમવા માટે ટિફિન બહારથી આવે અને તેના ભણતર માટેની વ્યવસ્થા કરવામાં આવે. જ્યારે પરિવારજનોને વધારે મળવા માટેની મંજૂરી આપવા માટે અરજી કરી હતી. જોકે, કોર્ટે જેલના મેન્યુઅલ પ્રમાણે નિર્ણય કરવા માટેનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત તથ્ય પટેલની આંખોનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.