અમદાવાદ : અમદાવાદમાં BRTSએ મુસાફરો માટે વરદાનરૂપ છે પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં અમદાવાદમાં અનેક ઠેકાણે કામ ચાલતું હોવાથી BRTS બસ જનમાર્ગ ટ્રેક બહાર દોડતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. બીજી બાજુ ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર BRTSમાં મુસાફરો ચડઉતર કરતા હોવાથી અકસ્માતનો પણ ભય તોળાઈ રહ્યો છે. રસ્તા પર મુસાફરોને ઉતારવામાં આવી રહ્યા હોવાથી હાલ મુસાફરો 132 ફૂટ રીંગ રોડ સહિત દાણીલીમડા, મણિનગર, વિરાટનગર, ચંદ્ર નગર સહિતના બસ સ્ટોપ પર હાલાકી ભોગવી રહ્યા છે. ‘જો આ રીતે જ ચલાવવી હોય તો BRTSનો ફાયદો શું?’ તેવો લોકોમાં અણીયારો સવાલ પણ ઉભો થયો છે.
132 ફૂટ રીંગ રોડની વાત કરીએ તો BRTS બસ જનમાર્ગ ટ્રેક બહાર દોડી રહી છે. જેને લઈને આ અંગે વાહનચાલકોએ કહ્યું કે બસ બહાર દોડતી હોવાથી ભયંકર ટ્રાફિક થાય છે. વાહનચાલકોએ તો એવા પણ આક્ષેપો કર્યા છે કે 132 ફૂટ રીંગ રોડ પર બે જગ્યાએ તો જયારથી મેટ્રોનું કામ ચાલતું હતું ત્યારથી RTO થી અખબારનગર સુધીના રૂટ પર મોટા ભાગે ટ્રેક બંધ જ હોય છે. બીજી બાજુ આ કામને લઈને મુસાફરો પણ સમસ્યા ભોગવી રહ્યા છે. મુસાફરોના જણાવ્યા અનુસાર પેહલા ટિકિટ લેવા BRTS અંદર જવું પડે છે. પછી બસ માટે બહાર આવવું પડે છે. જેને લઈને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે.
આમ અમદાવાદમાં 132 ફૂટ રીંગ રોડ સહિત અનેક ઠેકાણે BRTS બસ જનમાર્ગ ટ્રેક બહાર દોડી રહી છે, જેને કારણે 132 ફૂટ રીંગ રોડ સહીત શહેરના દાણીલીમડા, મણિનગર, વિરાટનગર, ચંદ્ર નગર સહિતના બસ સ્ટોપ પર ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર BRTSમાં મુસાફરો ચડઉતર કરતા હોવાથી અકસ્માતનો પણ ભય તોળાઈ રહ્યો છે.