અમદાવાદ : આજે 15મી ઓગસ્ટના રોજ દેશને સ્વતંત્ર થયે 76 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આજે સમગ્ર દેશ આઝાદીના રંગમાં રંગાઈ ગયો છે. સમગ્ર દેશમાં તેની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમા ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ પણ આઝાદીના 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે કરતા જોવા મળ્યા હતા. આ જ ખુશીનો માહોલ અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલ લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલમાં પણ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજની અગ્રગણ્ય હિન્દી માધ્યમની શાળા લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલમાં 77માં સ્વતંત્રતા દિવસને ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો.દેશભક્તિ ગીતો,નૃત્યો અને નાટકો ભજવીને વિદ્યાલય પ્રાંગણને અનેરા ઉત્સાહ અને ઉમંગથી ભરી દીધું.શાળાના બાળકો દ્વારા આ દિવસને યાદગાર બનાવવા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી. નાટ્ય પ્રવૃત્તિ, દેશ ભક્તિના ગીતો પર નૃત્ય તેમજ શાળાના પ્રાંગણમાં સુંદર શણગાર કરીને વિદ્યાર્થીઓએ સૌને મંત્રમુગ્ધ કરી લીધા હતા.