અમદાવાદ : અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના આનંદનગરમાં ટાઈટેનિયમ સિટી સેન્ટર મોલ પાસેનો કારચાલકે ટેમ્પો, કાર અને બે રીક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 4 લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ અકસ્માત સર્જનાર કારચાલકની પોલીસે અટકાયત કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના આનંદનગર રોડ પર ટાઇટેનિયમ સિટી સેન્ટર પાસે એક કારચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવતા ટેમ્પો, કાર અને બે રીક્ષાને ટક્કર મારી હતી. કારની ટક્કરને કારણે રીક્ષા ચાલકો ઇજાગ્રસ્ત થયા હતા જેમણે સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કારચાલકની અટકાયત કરી હતી. આ અકસ્માત પહેલા પણ કારચાલકે આગળ કોઇ કારને ટક્કર મારી હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માત બાદ કાર એક ઝાડ સાથે અથડાઇ હતી જ્યારે રીક્ષાને પણ કેટલુંક નુકસાન થયું હતું. અકસ્માત બાદ લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે જોવા મળ્યા હતા.ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. કારચાલકના જણાવ્યા અનુસાર ઘરે ઝઘડો થયા હોવાથી બહાર નીકળ્યા બાદ ભાન ન રહેતા અકસ્માત સર્જાયા હોવાની માહિતી આપી છે. જ્યારે પોલીસે અકસ્માત સર્જવા પાછળનું કારણ શોધવા તપાસ શરૂ કરી છે.