અમદાવાદ : અમદાવાદમાં ચાંદલોડીયા વિસ્તારમાં આવેલ ખાનગી શાળામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયા છે.આ ઘટના ચાંદલોડિયા બ્રિજ પર આવેલી શક્તિ સ્કૂલની છે. જ્યાં સિનિયર કેજીમાં અભ્યાસ કરતા 5 વર્ષીય બાળકને માર માર્યાનો શિક્ષક પર આરોપ લાગ્યો છે. વિદ્યાર્થીના વાલીનો આરોપ છે કે વાંચતા આવડતું નથી તેવું કહીને શિક્ષકે તેમના બાળકને માર માર્યો છે. બાળકના શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે.
શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં આવેલી શક્તિ સ્કૂલમાં શિક્ષીકાએ સિનિયર કેજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પગમાં સોટી મારીને સોર પાડી દીધા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વિદ્યાર્થીના માતા પિતાએ આ મામલે આજે સ્કૂલમાં હોબાળો મચાવ્યા બાદ મામલો ગરમાયો હતો. ભણવામાં શબ્દ બોલવાનું રહી જતાં શિક્ષક ઉશ્કેરાઇ હતી અને પગમાં સોટી મારી દીધી હતી. વિદ્યાર્થી જ્યારે સ્કૂલેથી ઘરે આવ્યો ત્યારે તેના પગમાં સોર જોઇને માતા ચોંકી ઉઠી હતી. આ મામલે હવે બાળકને વાલીએ શાળાના સંચાલકને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરી હતી. બાળકને આ રીતે માર મારતા આજે વાલી દ્વારા ફરી વાર સ્કૂલમાં ટ્રસ્ટી અને પ્રિન્સિપાલને રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે સ્કૂલ દ્વારા તાત્કાલિક ધોરણે શિક્ષીકાને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
વિદ્યાર્થીના પિતા પ્રમાણે, સ્કૂલના શિક્ષક દ્વારા અવારનવાર છેલ્લા એક મહિનાથી માર મારવામાં આવતો હતો. છતાં ફરિયાદ નહોતી કરી. આ વખતે ઢોરમાર મારવામાં આવતા પગે સોજો આવી ગયો અને બાળકે ખૂબ ફરિયાદ કરી હતી. આ મામલે ગઈકાલે સ્કૂલમાં મારી પત્ની દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેઓએ કંઈ સાંભળ્યું નહોતું. જેથી આજે તેઓ ફરીથી સ્કૂલમાં જઈ માર મારનાર શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઘટના બનતાની સાથે જ મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ પાસે ભેગા થઈ ગયા હતા. શિક્ષક દ્રારા આ પ્રકારે બાળકને માર મારવામાં આવતી વાલીઓમાં ભારે રોષ છે.