અમદાવાદ : ગુજરાત રાજ્યના DGP વિકાસ સહાયએ પરિપત્ર જાહેર કરી પોલીસ કર્મચારીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. આ બાબતે ડ્રાઇવ રાખવા પણ સૂચના આપી હતી. જેના પગલે શનિવારે અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. શાહીબાગ પોલીસ હેડ ક્વાટરની બહાર યોજવામાં આવેલી ડ્રાઈવ દરમિયાન અનેક પોલીસ કર્મચારીઓ હેલમેટ વગર તેમજ સીટબેલ્ટ વગર ઝડપાયા હતા. તો કેટલાક પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો પોલીસની પ્લેટ લગાવી ફરતા ઝડપાયા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ ભંગ કરતાં પોલીસકર્મીઓને પાઠ ભણાવવા માટે પોલીસકર્મીઓ સામે એક ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાટર ખાતે પોલીસના કર્મચારીઓ જ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા હતા. પોલીસકર્મીએ પોતાના વાહનમાં P કે police લખ્યું હોય,પોલીસકર્મી ત્રણ સવારીમાં હોય, પોલીસકર્મીએ બાઈક ચલાવતા સમયે હેલ્મેટ ન પહેર્યું હોય અથવા તો તેની ગાડીમાં બ્લેક ફિલ્મ લગાવી હોય તો પોલીસકર્મી સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ડ્રાઈવ દરમિયાન એક કારચાલક પોલીસ લખેલી પ્લેટ લગાવી ચાલુ વાહને ફોન પર વાત પણ કરતો હતો. જેથી તેને રોકવામાં આવ્યો હતો. મીડિયા અને પોલીસને જોતાં જ પોલીસ લખેલી પ્લેટ કાઢી લીધી હતી અને મીડિયાના કેમેરામાં પોલીસ લખેલી પ્લેટ કેદ થઈ હોવા છતાં પણ મારી પાસે કોઈ પ્લેટ નથી તેમ કહ્યું હતું. જોકે, ગાડીમાં તપાસ કરતા પોલીસ લખેલી પ્લેટ મળી આવી હતી. આમ કારચાલક મીડિયા સમક્ષ પોલીસની પ્લેટ લગાવેલી હોવાનું છુપાવતા ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ તેને દંડ પણ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સીટ બેલ્ટ વગર, હેલ્મેટ વગર, બ્લેક ફિલ્મ લગાડેલા તેમજ પોલીસ લખેલી પ્લેટના વાહન ચાલકોને ઝડપી અને તેઓની પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આમ ખુદ પોલીસ વિભાગમાં જ ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સામાન્ય પ્રજાને કાયદો અને નિયમો બતાવી દંડ વસુલ કરતાં હોય છે, પરંતુ અમદાવાદ શહેરના પોલીસ કર્મચારીઓ જ ખુદ આ નિયમોનું પાલન કરતા નથી જે આ ડ્રાઈવ ઉપરથી સ્પષ્ટ જણાય છે.