અમદાવાદ : અમદાવાદમાં સોલા વિસ્તારમાં પોલીસ કર્મચારી દ્વારા કરવામાં આવેલ તોડકાંડની નોંધ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરએ ગંભીરતાથી લીધી છે. ફરિયાદમાં વધુ કેટલીક કલમોનો ઉમેરો કરી દાખલારૂપ કાર્યવાહી કરી છે. આ ઘટનાની ગુજરાત હાઈકોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે અને સુઓમોટો લેતા પોલીસ પાસે તપાસ રિપોર્ટ માગ્યો છે. ઉપરાંત આગામી સમયમાં આવા કોઈ બનાવોના બને તે માટે હવે પોલીસ ડિકોય ટ્રેપ નું આયોજન કરશે.
બોપલના પરિવારને ખંખેરી લેનારા ત્રણ પોલીસકર્મીઓની કરતુતને કારણે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ કલંકિત થયો છે અને પોલીસની છબી ખરડાઈ છે. ત્યારે પોલીસની છબી સુધારવા માટે એકશન પ્લાન તૈયાર કરવામા આવ્યો છે. આ ઘટના બાદ હાઈકોર્ટની નારાજગી અને પોલીસને લઈને ઊભા થયેલા સવાલોને લઈને હવે અધિકારીઓની ખાનગી વોચ શરૂ થઈ છે. સાથે તોડકાંડમા પકડાયેલા ટ્રાફિક પોલીસ કર્મી ASI મુકેશ ચૌધરી,પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરી અને ટીઆરબી જવાન વિશાલ સોંલકીના ફરી રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી.
જો કે આ પ્રકારના બનાવો આગામી સમયમાં ના બને તે માટે પોલીસ કમિશ્નર દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓને સમયાંતરે ડીકોય કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. જેમાં પોલીસ ખાનગી વાહનમાં નીકળશે અને જો કોઈ પણ પોલીસ કર્મચારી દ્વારા તેને વાહન ચેકીંગ દરમિયાન રોકીને તેની પાસે રૂપિયાની માંગણી કરશે કે ગેરવર્તણૂક કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કે ડીકોય ટ્રેપ કરવા માટે પોલીસ ખાનગી વ્યક્તિઓની પણ મદદ લેશે.
મહત્વનુ છે કે સોલા પોલીસ તોડકાંડને લઈને પોલીસ કમિશ્નર દ્રારા શહેરમા રાત્રીના સમયે ફરજ બજાવતા પોલીસ જવાનોનુ ચેંકીગ કરવાનો આદેશ આપવામા આવ્યો છે. જેને લઈને હવે પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ પર નજર રાખશે. જેથી પોલીસમા વધી રહેલા તોડકાંડ પર નિયંત્રણ લાવી શકાય.