અમદાવાદ: અમદાવાદની ઓળખ બની ગયેલા સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો બીજો તબક્કો અત્યંત પુરઝડપે આગળ વધી રહ્યો છે. 850 કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામી રહેલા રિવરફ્રન્ટ ફેઝ-2 પ્રોજેક્ટની ઈન્દિરાબ્રિજ સુધી પૂર્ણ થતાની સાથે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના નાગરિકો માટે ગાંધીનગર જવાનું સરળ બનશે.
મીડિયા રિપોર્ટ મુજબ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ બોર્ડની બેઠકમાં વર્તમાન રિવરફ્રન્ટને ઈન્દિરાબ્રિજ સુધી લંબાવવાની અનેક રજૂઆતો થઈ હતી. જેને ધ્યાનમાં લઈને તે મુજબ પ્લાનિંગ અને ડિઝાઈનિંગ કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ ફેઝ-1 અંતર્ગત પૂર્વ અને પશ્ચિમ કિનારા ઉપર 11.5 કિલોમીટર લંબાઈના રસ્ત સહિતનો વિકાસ કરવામાં આવ્યો છે. વર્તમાન રિવરફ્રન્ટને બીજા ફેઝમાં ઈન્દિરાબ્રિજ સુધી લંબાવવા માટે પૂર્વમાં 5.8 કિલોમીટર અને પશ્ચિમમાં 5.2 કિલોમીટર સુધી ડેવલપ કરાશે. જેનાથી બંને બાજુએ થઈને રિવરફ્રન્ટની લંબાઈ 34 કિલોમીટર થશે.
હાલમાં સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-1માં સુભાષબ્રિજ દશામાંના મંદિર સુધીનો રોડ ડેવલપ કરાયેલો છે. બીજા ફેઝમાં સુભાષબ્રિજ દશામાંના મંદિરથી ઇન્દિરા બ્રિજ સુધી રિવરફ્રન્ટ રોડ તૈયાર કરાશે. રિવરફ્રન્ટ ફેઝ-2 પૂર્ણ થયા બાદ એરપોર્ટ અને ગાંધીનગર તરફ જવાનું અંતર ઘટી જશે. ખાસ કરીને એરપોર્ટ અને ગાંધીનગર તરફના આશ્રમ રોડ અને અન્ય રોડ પર થતો ટ્રાફિક જામ ઘટશે.
નોંધનીય છે કે રિવરફ્રન્ટ ફેઝ-2 પ્રોજેક્ટ સાકાર થશે એટલે વાસણા આંબેડકર બ્રિજથી વાહનચાલકો ઈન્દિરાબ્રિજ મારફતે સડસડાટ ગાંધીનગર પહોંચી શકશે. આ બ્રિજના લીધે આશ્રમરોડ સહિતના અન્ય રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટશે. સૌથી અગત્યની વાત કે, રિવરફ્રન્ટ સેકન્ડ ફેઝમાં મોટેરા નજીક પાણીના સંગ્રહ માટે બેરેજ કમ બ્રિજ બનાવાશે, જેની મદદથી પશ્ચિમ વિસ્તારના નાગરિકો સીધા એરપોર્ટ અને ગાંધીનગર જઈ શકશે.