અમદાવાદ : શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરતા હોય છે અને ફરાળી વાનગી આરોગતા હોય છે. ત્યારે ફરાળી વાનગી આરોગતા આ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે અમદાવાદ મ્યુ કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં શહેરના વિવિધ જગ્યાએથી ફરાળી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. તેમાં નિકોલ વિસ્તારમાં ભક્તિ સર્કલ પાસે આવેલી સોલંકી સુપરમાર્કેટ નામની દુકાનમાંથી તેમજ બીબી તળાવ પાસે ચારભુજા ફ્લોર ફેક્ટરીમાંથી લેવામાં આવેલા ફરાળી લોટના સેમ્પલમાં ભેળસેળ થઈ હોવાનું સામે આવ્યું છે. નારણપુરામાં અનુપમ સોસાયટીમાં જીતેન્દ્ર ઓઇલ ટ્રેડર્સ માંથી પણ તેલનું નમૂનો લેવામાં આવ્યા હતા તેમાં પણ પાસે તેલની ભેળસેળ થઈ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ શહેરમાં ભેળસેળવાળી ચીજવસ્તુઓ વાપરતી દુકાનો ઉપરાંત કેટલીક હોટલો, રેસ્ટોરન્ટો અને દુકાનો લાયસન્સ વગર ચાલતી હોય છે, તેને લઈ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં 719 જેટલી વિવિધ હોટલ-રેસ્ટોરન્ટ, દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાદ્યચીજોના 200 સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધીમાં શહેરની વિવિધ જગ્યાએથી મીઠાઈના 44, બેકરીમાં 3, ફરાળી વસ્તુઓનાં 7, ખાજા- 11, મસાલા 15, બેસન મેંદાના 4, અન્ય 113 મળી કુલ 200 નમૂના લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
છેલ્લા એક અઠવાડિયામાં ચેકિંગ દરમિયાન 377 નોટિસ આપી હતી. 1119 કિલોગ્રામ અને 912 લિટર જેટલા બિનઆરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. 16 જેટલા ટીપીસી ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 3.16 લાખ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. 411 જેટલા લાઇસન્સ ઇસ્યૂ કરવામાં આવ્યા છે. જ્યારે 1089 જેટલા તેલના ટીપીસી ચેક કર્યા હતા. ફૂડ વિભાગ દ્વારા આગામી સમયમાં ફૂડ લાઇસન્સ રજીસ્ટ્રેશન વગરની દુકાનો સામે કાર્યવાહી કરવામાં આવશે.
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે આવા સમયે પણ કમાણીની લ્હાયમાં વેપારીઓ ફરાળીમાં પણ ભેળસેળ કરતા અચકાતા નથી. અમદાવાદ મ્યુ કોર્પોરેશનના ફૂડ વિભાગે એવા વેપારીઓ સામે તવાઈ બોલાવી છે જેઓ ફરાળી વસ્તુઓમાં પણ ભેળસેળ કરે છે. ઘણા એવા વેપારીઓ હોય છે જે ફરાળીના નામે લોકોની આસ્થા અને આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. આવા વેપારીઓ સામે અમદાવાદ મ્યુ કોર્પોરેશને કાર્યવાહી હાથ ધરી છે.