અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર કરાયેલા બે સ્પોર્ટસ કોમ્પલેક્ષનું આખરે લોકાર્પણ કરાયું છે. હવે શહેરીજનો આ સ્પોર્ટસ કોમ્પલેક્ષનો ઉપયોગ કરી શકશે. ત્યાર શું છે અહીંની વ્યવસ્થા અને તેના માટેના ચાર્જ? અમદાવાદના રિવરફ્રન્ટ પાસેથી પસાર થતા લોકોની નજર આ સ્પોર્ટસ પાર્ક પર અચૂક પડતી હશે. છેલ્લા બે વર્ષથી આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનીને તૈયાર હતું. જેનું હવે લોકાર્પણ કરાયું છે. હવે તમે અહીં સન્નાટાની જગ્યાએ બાળકો અને યુવાનોને જુદી જુદી રમતો રમતા જોઈ શકશો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સાબરમતીના પૂર્વ અને પશ્ચિમ બાજુ આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ કોમ્પ્લેક્ષનું આજે મેયર કિરીટ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ બંને કોમ્પ્લેક્સનું સંચાલન અદાણી સ્પોર્ટ્સ કંપનીને આપવામાં આવ્યુ છે.
રિવરફ્રન્ટના સ્પોર્ટસ પાર્કના સંચાલનનો કોન્ટ્રાકટ તંત્ર દ્વારા અદાણી જૂથને આપવામાં આવ્યો છે. ત્યારે સંકુલના ઉદ્ધાટન સમારોહમાં અદાણી જૂથના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. સંકુલની દરેક સુવિધા માટે બુકિંગ ઓનલાઈન થશે. ટેનિસ રમવા માટે કલાકના 1200 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ક્રિકેટની પ્રેક્ટિસ માટે પીચ દીઠ 500 રૂપિયા ચૂકવવા પડશે. સવારે 6થી 8 વાગ્યા સુધી જોગિંગ વિનામૂલ્યે કરી શકાશે.
આ ઉદ્ઘાટનમાં ધારાસભ્ય અમિતભાઈ શાહ, ધારાસભ્ય કૌશિક જૈન, પૂર્વ ભારતીય મહીલા ક્રિકેટ ટીમન પૂર્વ કેપટન મિતાલી રાજ, ડે.મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિત વિવિધ પદાધિકારીઓ, ચેરમેન અને સ્થાનિક કાઉન્સિલરો આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.