અમદાવાદ : અમદાવાદ સહિતના મહાનગરોમાં વાહન પાર્ક ક્યાં કરવું એ એક સમસ્યા છે. જેના માટે વાહન પાર્કિંગની જગ્યાનું નિર્માણ કરવું એ એક માત્ર ઉપાય છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા અટલ બ્રિજ અને ફ્લાવર પાર્ક જોવા માટે જાવ છો તો તમને હવે વાહન પાર્કિંગની સમસ્યા નહીં રહે. કેમ કે, અટલ બ્રિજની સામે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રૂ.60 કરોડના ખર્ચે સાત માળનું મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રિવરફ્રન્ટ પર મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. જેમાં 1000 ટુ વ્હીલર અને 700 જેટલા ફોર વ્હીલર પાર્ક કરી શકાશે. સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજ અને સાબરમતી ઇવેન્ટ સેન્ટરમાં આવનારા લોકો સીધા પાર્કિંગમાંથી ત્યાં જઈ શકે તેના માટે સ્કાય વોક બનાવવામાં આવ્યો છે.જેથી ફૂટ-ઓવર બ્રિજની મુલાકાતે આવતા મુલાકાતીઓને આ પાર્કિંગથી સીધા ફ્લાવર પાર્ક અથવા રિવરફ્રન્ટ પ્રોમીનાડ સુધી જઈ શકશે. જેથી ફૂટ-ઓવર બ્રિજની મુલાકાતે આવતા મુલાકાતીઓને આ પાર્કિંગથી સીધા ફ્લાવર પાર્ક અથવા રિવરફ્રન્ટ પ્રોમીનાડ સુધી જઈ શકશે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા જ પ્રાયોગિક ધોરણે ચલાવવામાં આવશે. બે કલાકના ટૂ-વ્હીલર માટે રૂ.10 અને ફોર-વ્હીલર માટે રૂ.20 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. બેથી ચાર કલાક માટે ટૂ-વ્હીલરના રૂ.20 અને ફોર-વ્હીલરના રૂ.40 જ્યારે ચાર કલાકથી વધુના સમય માટે ટૂ-વ્હીલરના રૂ.30 અને ફોર-વ્હીલરના રૂ.50 ચાર્જ રાખવામાં આવ્યો છે.
આ સ્માર્ટ મલ્ટિલેવલ પાર્કિંગ આપમેળે પાર્કિંગની ઉપલબ્ધતા પ્રદર્શિત કરશે અને રેમ્પના ઉપયોગ વિના તૈયાર કરાયેલી આ દેશની પ્રથમ સિસ્ટમ છે. 1000-કારની ક્ષમતાવાળા આ પાર્કિંગમાં ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે ઇ-ઝોન પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પાર્કિંગ સ્લોટ કેટલા છે તે દર્શાવવા માટે LED સ્ક્રીન પણ લગાવવામાં આવી છે. આ ઉપરાંત પાર્કિંગ ફાયર સેફ્ટી અને CCTV કેમેરાથી સજ્જ છે.
આજે મલ્ટીલેવલ પાર્કિંગનું મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને દંડક અરુણસિંહ રાજપુતના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. પાર્કિગમાંથી સીધા અટલ બ્રિજ પર જઈ શકાય તેના માટે નાનો સ્કાયબ્રિજ પણ બનાવવામાં આવ્યો છે. જેથી લોકો વાહન પાર્ક કરી અને સીધા અટલ બ્રિજ ઉપર જઈ શકશે. 8 સપ્ટેમ્બર શુક્રવારથી નાગરિકો માટે મલ્ટીલેવલ પાર્કિંગ ખુલ્લું મૂકવામાં આવશે.