અમદાવાદ : શહેરનો નારણપુરા વિસ્તાર ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. બિલ્ડિંગ મટીરીયલ ડમ્પ સાઇટ બાદ હવે નારણપુરા ક્રોસિંગથી નારણપુરા ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડ કપાતને લઈ સ્થાનિક લોકો બેનર લગાવી વિરોધ કરી રહ્યા છે. 80 ફૂટના રોડને હવે 100 ફૂટનો રોડ બનાવવા મુદ્દે સ્થાનિક લોકોએ વિરોધ કરી આખા રોડ પર બેનરો લગાવ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડ પર કોઈ ટ્રાફિક જામ થતો નથી, રોડને પોહળો કરવાની જરૂર નથી છતાં વર્તમાન કોર્પોરેટરો અને ભૂતપૂર્વ કોર્પોરેટર તેમજ માજી મેયર ગૌતમ શાહને કપાતમાં વિશેષ રસ છે. તેઓએ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેટરોને રોડ પર જે સોસાયટીઓ રી-ડેવલોપમેન્ટમાં જાય છે તેમાં બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરી તેમાં FSIમાં વધારો અપાવવા માટે રોડ કપાત કરાવવા માંગે છે.
અન્ય સ્થાનિક વેપારી જીગ્નેશ દરજીએ જણાવ્યું હતું કે, આ રોડ પર 80થી 90 દુકાનો અને 50થી 60 બંગલા કપાતમાં જાય છે. બંને તરફ રોડ પોહળો કરવાની જરૂર નથી છતાં રોડ પોહળો કરવા માટે સ્થાનિક કોર્પોરેટરો બિલ્ડરો સાથે મળી FSI વધુ મળે તેના માટે આ કવાયત કરી છે. આ રોડ પર આવેલા 200થી વધુ વૃક્ષોને પણ કાપવામાં આવશે. આ સામે અમારો વિરોધ છે. અમે બેનરો લગાવી અને વિરોધ કરી રહ્યા છીએ.