અમદાવાદ : અમદાવાદમાં તહેવારો પૂર્વે જ શસ્ત્રોનો મોટો જથ્થો પકડાતા પોલીસ ચોંકી ઉઠી છે. હવે આ શસ્ત્રો પકડાયા છે તો તેનો ઉપયોગ શેનો હતો, અમદાવાદમાં કોઈ ગેંગવોરની તૈયારી ચાલી રહી છે કે શહેરમાં કંઈક મોટું કરી અશાંતિનું આયોજન છે, ભાંગફોડનું કાવતરું છે, તે બધા પાસા પર પોલીસ ચકાસણી કરી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ઝોન-7 LCB સ્કોર્ડ પોલીસની ગીરફતમાં ઉભેલા આ તમામ આરોપી મોતના સોદાગરો છે. આરોપી શાહનવાઝ શેખ, સમીર પઠાણ, ફરાન પઠાણ, ઉઝેર પઠાણ, ઝાહીદ પઠાણ અને શાહરૂખ પઠાણ છે. એલસીબીની ટીમને વિશાલ હોટલ નજીક એક બાતમી મળી હતી કે એક વ્યક્તિ હથિયાર લઈને આવી રહ્યો છે જેના આધારે શાહનવાઝ એક હથિયાર અને કારટીસ સાથે પકડ્યો. જેની તપાસ બાદ સમીરનું નામ સામે આવ્યું અને આ હથિયાર લીધા હોવાનું શાહનવાઝ એ કબૂલાત કર્યું. સમીરે બીજા 9 હથિયાર ફરાન પઠાણ પાસે હોવાની કબૂલાત કરી. જેથી LCBએ ફરાન સુધી પહોંચી અન્ય 3 લોકો પાસે પહોંચી આખા નેટવર્કનો ખુલાસો કરી અન્ય 3 લોકો ને હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા.
આરોપીઓ આ શસ્ત્રો મધ્યપ્રદેશના આફતાબ પાસેથી મેળવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કેટલીક પિસ્ટલ પર Made IN Japan અને USA લખેલું છે. જોકે તમામ શસ્ત્રો ફેક્ટરી મેઈડ હોવાનું હાલની તપાસમાં જણાઈ રહ્યું છે. તે સિવાય આરોપીઓ શસ્ત્રો વેચાતા લીધા હોવાનું રટણ પોલીસ સમક્ષ કરી રહ્યા છે. બીજી તરફ જન્માષ્ટમીના તહેવારમાં જ શસ્ત્રો પકડાતા તેઓકોઈ મોટી ભાંગફોડ કરવાનો ઈરાદો ધરાવતા હોવાની શંકા પોલીસ નકારતી નથી. હવે પોલીસ પુછપરછમાં લાલ આંખ કરશે ત્યારે સાચી માહિતી બહાર આવશે. પોલીસે આરોપીઓને ઝડપી લેવા 36 કલાક સુધી રિક્ષાચાલક અને ફેરીયાના સ્વાંગમાં રેકી કરી હતી.
નોંધનીય છે કે આફતાબની ધરપકડ બાદ હથિયારનું દેશ વ્યાપી કનેક્શન સામે આવે તેમ છે. સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે ઝડપાયેલા આરોપી આ હથિયાર ખરીદવા પાછળનો ઉદ્દેશ શુ હતો. જેને લઈ પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.