અમદાવાદ: અમદાવાદ શહેરના કાફે અને રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. અહીં સારા ફૂડની મજા માણવા ઉપરાંત ઉજવણીના માહોલમાં તેમજ ફોટોગ્રાફી માટે અનેક લોકો જતા હોય છે. ત્યારે અમદાવાવાદી યુવાનો તો આ કાફેમાં જઇ પિઝા આરોગતા હોય છે. ત્યારે અમદાવાદના જાણીતા ફૂડ આઉટલેટના પિઝામાંથી જીવાત નિકળી છે. આ સાથે જ બોપલના પાપા લુઈસ પિઝા સેન્ટરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, વાનગી બનાવવામાં સડેલાં બટાકાનો ઉપયોગ કરાયાની ફરિયાદ કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના બોપલ વિસ્તાર નજીક આવેલા વકીલ સાહેબ બ્રિજ નજીક પાપા લુઇસ નામના પિઝા સેન્ટરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનો દાવો કરાયો છે. આજે એક ગ્રાહકે અમદાવાદના પાપા લુઇસ પિત્ઝા સેન્ટરમાં જીવાત નિકળવાનો દાવો કરતા વીડિયો વાયરલ કર્યો છે. આ ફરિયાદીએ પાપા લુઇસ પિઝા સેન્ટર દ્વારા આપવામાં આવેલ બીલની કોપી પણ આ વીડિયોમાં શેર કરી છે. જેમા કસ્ટમરને પાણીની બોટલનું બીલ પણ આપવામાં આવ્યું છે.ત્યાં જ પાપા લુઇસના સેન્ટરમાં બટાકા પણ સડેલી હાલતમાં હોવાની ફરિયાદ ઉઠી છે. બીજી તરફ ફરિયાદીને પિઝાના સ્થાને પાણીની બોટલનું બિલ અપાયું હોવાનો પણ દાવો કરાયો છે.
મહત્વનું છે કે શહેરના અમુક જાણીતા કાફે અને રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. સારા ફૂડની મજા માણવા ઉપરાંત ઉજવણીના માહોલમાં તેમજ ફોટોગ્રાફી માટે અનેક લોકો જતા હોય છે. ત્યારે અમદાવાદનું વધુ એક પિઝા સેન્ટર વિવાદમાં સપડાયું છે. આ અગાઉ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા લા પિનોઝ પિઝા આઉટલેટમાં પિઝા બનાવવામાં આવી રહ્યા હતા ત્યાં ગંદકીના ચોંકાવનારા દ્ર્શ્યો સામે આવ્યા હતા જે બાદ આરોગ્યની ટીમે આ આઉટલેટના સંચાલકને 10 હજારનો દંડ ફટકાર્યો હતો.