અમદાવાદ : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં મૃતકોમાંના એક હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ ચૌહાણના પરિવારજનોએ જગુઆરના માલિક અને ટાટા AIG જનરલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી ૭૫ લાખ રૂપિયાના વળતરની ડિમાન્ડ કરી છે. આ ઉપરાંત, આ ભયાનક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવક દ્વારા પણ સારવારમાં થયેલા જંગી ખર્ચ અને અન્ય આર્થિક નુક્સાનનો હવાલો આપીને 1 કરોડ રૂપિયાનું વળતર માગવામાં આવ્યું છે. આ મામલે મૃતકના પરિવારે અમદાવાદની કોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાનમાં રાખીને કોર્ટે કારના માલિક, ડ્રાઈવર, અને વીમા કંપની સામે સમન્સ કાઢીને આગામી દિવસોમાં સુનાવણી માટે રાખી છે.
મીડીયા રિપોર્ટ મુજબ, અકસ્માતમાં જે નવ લોકોના મોત થયા હતા તેમાં માત્ર હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ ચૌહાણના પત્ની રમીલાબેન ચૌહાણ દ્વારા મોટર એક્સિડન્ટ ક્લેઈમ માટે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ પિટિશન ફાઈલ કરવામાં આવી છે. આ સિવાય તથ્યની કારની અડફેટે આવીને ઘાયલ થયેલા અન્ય ચાર લોકોએ વળતર માટે ડિમાન્ડ કરી છે, જેમાં મનીષ દેસાઈ, જયશિવસિંહ રાજ, જય ચૌહાણ અને નારાયણ ગુર્જરનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત તથ્યએ જે કારથી અકસ્માત સર્જયો હતો તે વ્હાઈટ જગુઆર ક્રિશ વરિયાના નામે હતી, જે પ્રજ્ઞેશ પટેલનો મિત્ર અને બિઝનેસ પાર્ટનર છે. જે લોકો પાસેથી વળતર માગવામાં આવ્યું છે તેમાં ક્રિશ વરિયા ઉપરાંત તથ્ય પટેલ અને ઈન્શ્યોરન્સ કંપનીનો પણ સમાવેશ થાય છે. અરજદારો વતી એડવોકેટ પ્રકાશ મેંઢા અને પી.સી. ઠાકોર દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે, જેમાં આ અકસ્માતને કારણે તેમને કેટલું નુક્સાન થયું છે તેને લગતા દસ્તાવેજ પણ કોર્ટ સમક્ષ રજૂ કરાયા છે.
આ અરજીમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જેુગુઆર કાર બેદરકારીથી ચલાવીને અડફેટે લઈને અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્તોની આવક અને કાલ્પનિક નુકસાન તેમજ તેમની સારવાર પર થયેલા ખર્ચ અંગેના દસ્તાવેજો સામેલ કરીને જુદી જુદી રકમ વળતર મેળવવા માટે દાદ માંગી છે.