અમદાવાદ : શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી બાદ અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં વિઘ્ન હર્તા દેવ ગણેશજીના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે. ગણતરીના દિવસો બાદ ગણેશ ચતુર્થી આવી રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં આ તહેવારની ઉજવણીને લઈને ભક્તોમાં અનોખો આનંદ જોવા મળી રહ્યો છે. ગણેશ ચતુર્થીને લઈ લોકો ભગવાનની મૂર્તિઓ ખરીદી રહ્યા છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા અમદાવાદ હાટમાં ગણપતિજીની જુદી જુદી મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે.
હાલ અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા હાટમાં પણ અવનવી ગણપતિની મૂર્તિઓ બજારમાં આવી ગઈ છે. જેમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓમાં ખાસ તિરુપતિ, સિંદુરિયા, સિદ્ધિ વિનાયક, રિદ્ધિ-સિદ્ધિ સાથે ગણપતિ, બાલ ગણેશા, મહારાષ્ટ્રીયન વગેરે પ્રકારના ગણપતિજીની મૂર્તિઓની માંગ વધારે જોવા મળે છે. ખાસ વાત તો એ છે કે, અહીં વેપારીઓ દ્વારા ગણપતિજીની મૂર્તિઓ બનાવવામાં આવે છે.તેથી બજાર કરતા સસ્તા ભાવે મૂર્તિઓ મળે છે.
હાલ મોટી સંખ્યામાં લોકો અહીં મૂર્તિની ખરીદી કરવા પણ આવી રહ્યા છે.અહીં 251 રૂપિયાથી લઈ 21 હજાર રૂપિયા સુધીની મૂર્તિઓ મળે છે.આ મૂર્તિઓ તેની સાઈઝ અને કલાત્મકતા પર આધાર રાખે છે.અહીં મળતી તમામ મૂર્તિઓ ઇકો ફ્રેન્ડલી છે. જે માટી, વાંસની લાકડીઓ, ઘાસ અને કુદરતી રંગોનો ઉપયોગ કરી ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવવામાં આવી છે.
આ માર્કેટમાં મૂર્તિકાર સીધા જ વેચાણ દ્વારા નફો કરી શકે તે માટે સ્ટોલ રાખવામાં આવ્યા છે. અહીં અમુક વેપારીઓ ગણેશજીની મૂર્તિઓ મહારાષ્ટ્રથી લાવીને તો કેટલાક વેપારીઓ જાતે માટીમાંથી બનાવેલી મૂર્તિઓનું વેચાણ કરી રહ્યા છે. હાલમાં લાલ ગણેશ, પિતાંબરધારી ગણેશ, સિદ્ધિ વિનાયક ગણેશની માંગ વધારે જોવા મળી રહી છે.
પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓના વપરાશને લીધે પર્યાવરણ અને ખાસ કરીને જળાશયોનું પાણી દૂષિત થાય છે. તેથી આપણે સૌએ પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી મૂર્તિને બદલે માટીમાંથી બનાવેલી મૂર્તિનો ઉપયોગ કરવો જોઈએ.