અમદાવાદ : અમદાવાદના નાગરિકો ભીનો અને સૂકો કચરો અલગ નાખે એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘરે-ઘરે ડસ્ટબિન વિતરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એએમસી દ્વારા આપવામાં આવેલી આ ડસ્ટબિન હલકી ગુણવત્તાની હોવાને લઈને ઘાટલોડિયાના ભાજપના જ એક કોર્પોરેટરે આ ફરિયાદ કરી હોવાનું પણ સામે આવ્યું છે.
હાલ મુખ્યપ્રધાનના મતવિસ્તાર ઘાટલોડિયા વોર્ડમાં ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ લોકોએ સ્થાનિક કાઉન્સિલરને ફરિયાદ કરી છે કે એએમસી દ્વારા આપવામાં આવતા ડસ્ટબીન તૂટેલા અને હલકી ગુણવત્તાના છે. જે લોકોને આપતા પહેલા જ તૂટી જાય છે. લોકોની ફરિયાદ બાદ ભાજપના કાઉન્સિલરે જ સેન્ટ્રલ વર્કશોપના ડાયરેકટર વિજય મિસ્ત્રીને હલકી ગુણવત્તાના ડસ્ટબીન ખરીદ્યા હોવાની ફરિયાદ કરી છે.
ઘાટલોડિયા વોર્ડ ઓફિસની સામે એએમસીના ફિઝીયોથેરાપી સેન્ટરમાં હજારોની સંખ્યામાં તૂટેલા ડસ્ટબીન પડ્યા છે. જે લોકો પરત આપી ગયા છે. આ મામલે વિપક્ષે કૌભાંડના આક્ષેપ કરી ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી છે.