અમદાવાદ : સાબરમતી નદી એ અમદાવાદનો સ્યુસાઈડ પોઈન્ટ બની હોય તેવી રીતે રોકેટ ગતિએ મોતની છલાંગના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં વધુ એક ગોઝારી ઘટનામાં એક યુવકે સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. રિવર રેસ્કયુ ટીમ દ્વારા યુવકને બચાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ, યુવકનું મોત થઈ ગયું છે. આ યુવકનો મૃતદેહ બોટમાં લઈને કિનારા પાસે લાવવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી આ યુવકની ઓળખ થઈ નથી. રિવરફ્રન્ટ પોલીસે હાલ કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના દૂધેશ્વર બ્રિજ પરથી આશરે 30 વર્ષીય યુવકે સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. રીક્ષામાં આવેલ આ યુવકે અગમ્ય કારણોસર સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું અને નદીમાં પડતા જ યુવક ડૂબવા લાગ્યો હતો. આ ઘટના ઘટતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે જમા થઈ ગયા હતા અને તુરંત જ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગ દ્વારા રીવર રેસક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી અને તેઓએ નદીમાંથી બોટમાં યુવકને બેભાન અવસ્થામાં બહાર કાઢ્યો હતો.
જોકે, 108 દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જોકે, યુવક પાસેથી તેની ઓળખ થાય તેવા કોઈ ડોક્યુમેન્ટ મળ્યા નથી. બ્રિજ પરથી જ યુવકે છલાંગ લગાવતા બ્રિજ પર પણ લોકોના ટોળા ભેગા થયા હતા, જેના કારણે બ્રિજ પર પણ ભારે ટ્રાફિકજામ થયો હતો.