અંબાજી : દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે. અંબાજીમાં 23મીથી ભાદરવી પૂનમા મહામેળોનો પ્રારંભ થવાનો છે. ત્યારે અંબાજીમાં સૌ પ્રથમવાર આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને પહેલા આપવામાં ના આવી હોય તેવી સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે.
જયારે આવતીકાલથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે સાત દિવસ દરમિયાન 35 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટે તેવી શક્યતા છે.ભાદરવી પૂનમના મેળાના પગલે અંબાજી નગરને સજાવવામાં આવ્યુ છે. અંબાજીમાં મેળાનો થનગનાટ જોવા મળી રહ્યો છે.અંબાજી ધામને લાઈટિંગ કરીને સજાવવામાં આવ્યુ છે. અંબાજી મંદિર પણ લાઇટિંગથી જગમગી ઉઠ્યુ છે.
સામાન્ય રીતે કોઈ પણ મંદિરમાં પ્રસાદનું એક આગવુ મહત્વ હોય છે. ત્યા અંબાજી મંદિરના પ્રસાદની માંગને ધ્યાનમાં રાખીને કે જેનાથી કોઈ પણ માઈ ભક્ત પ્રસાદ વિહોણુ ન રહે તે માટે ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરની બહાર કેટલાક પ્રસાદ વેન્ડિંગ મશીનો સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં રૂ 30માં તમને મોહનથાળની પ્રસાદ મળશે.
તમામ માઈ ભક્તો મંદિર પરિસરની બહાર ડિજિટલ પેમેન્ટ દ્વારા પ્રસાદ વેન્ડિંગ મશીનોથી સીધા જ પ્રસાદ ખરીદી શકશે. ભક્તોને મંદિરની વ્યવસ્થાની તેમજ અન્ય કેટલીક પ્રાથમિક માહિતી સાથે મા અંબાનો નાનો ફોટો આપવામાં આવશે. તો આવર્ષે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા SBI ની મદદથી અંબાજીમાં 2 મુખ્ય સ્થળોએ પ્લાસ્ટિક ક્રશર મશીનો મુકવામાં આવશે. આ મશીનમાં કોઈપણ પ્લાસ્ટિકનો કચરો ડમ્પ કરી શકાય છે. પ્લાસ્ટિકને રિસાયકલ કરીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવશે.
અંબાજીમાં ભાદરવી પૂનમના મહા મેળામાં દિવ્યાંગ, વડીલો અને જરૂરિયાત મંદ વ્યક્તિઓ માટે અલગ સુવિધા કરવામાં આવી છે. આવતી કાલથી એટલે કે 23 થી 27 સપ્ટેમ્બર સુધી યોજાનાર મહા મેળા દરમિયાન ભક્તો રીક્ષામાં મફતમાં મુસાફરી કરી શકશે. કામાક્ષીથી ખોડિવલી સર્કલ સુધી અને દાતાના શક્તિ દ્વારથી ખોડિવલી સર્કલ સુધી મફત રીક્ષામાં લાવવા અને લઈ જવામાં આવશે.
એક તરફ વરસાદની આગાહી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા યાત્રિકો માટે વોટર પ્રુફ સમીયાણા બનાવવામાં આવ્યા છે.અંબાજી નગરમાં શક્તિ ચોક ઉપર કમલના ફૂલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. યાત્રિકોની સેવામાં તત્પર રહેવા નગરજનો આતુર જોવા મળી રહ્યા છે.