અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ શાંતિ જુનિયર્સ પ્રિ સ્કૂલ ખાતે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે ઉજવવામાં આવ્યો હતો. ગ્રાન્ડ પેરેન્ટસ અને ગ્રાન્ડ ચિલ્ડ્રન વચ્ચેનો નાતો ખૂબ જ જાદુઈ અને અનોખો હોય છે. આ સંબંધોમાં સુંદર મૈત્રીભાવ હોય છે, જેને ઉંમર કે જનરેશન ગેપ નડતી નથી અને પ્રેમને આધારે એક બીજાની કદર કરાતી હોય છે. આમ છતાં નવા યુગના બાળકો ગેઝેટસ અને સોશ્યલ મિડિયાથી એટલા પ્રવૃત્ત થઈ ગયા છે કે પોતાના દાદા-દાદી માટે હવે વધુ સમય ફાળવી શકતા નથી. બાળકો સાથે દાદા-દાદીનો નાતો જળવાઈ રહે તે માટે શાંતિ જુનિયર્સ પ્રિ સ્કૂલ દ્વારા ગ્રાન્ડ પેરેન્ટસ ડે પ્રસંગે મોજમસ્તીનું આયોજન કરાયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજ વિસ્તારમાં આવેલ શાંતિ જુનિયર્સ પ્રિ સ્કૂલ ખાતે ગ્રાન્ડ પેરેન્ટ ડેની ઉજવણી કરવામાં આવી. નવા વાડજમાં વ્યાસવાડીથી એસબીઆઈ બેન્ક તરફ જવાના રોડ પર આવેલ શાંતિ જુનિયર્સ પ્રિ સ્કૂલ ખાતે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓનાં દાદા-દાદીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. દરેક વિદ્યાર્થીએ કપાળ પર તિલક, ચોખા લગાવીને અને ફૂલો અર્પણ કરીને પોતાના દાદા-દાદીનું સ્વાગત કર્યું હતું અને દાદા-દાદીના આશીર્વાદ લીધા હતા.
આ પ્રસંગે આમંત્રિત વડીલોએ વિદ્યાર્થીઓને વાર્તા અને ગીતો દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા.વડીલોએ પોતાના પૌત્રો સાથે રમતો રમીને આનંદ કર્યો હતો. વિધાર્થીઓ તેઓની સાથે અંતાક્ષરી, કાગળના કપ વડે પિરામિડ બનાવવા, બાસ્કેટ વડે બોલ પકડવા વગેરે રમી ખુબ આનંદ માણ્યો હતો. વિદ્યાર્થીઓએ દાદા-દાદી સાથે વિવિધ રમતોની મોજ માણી હતી. વિદ્યાર્થીઓએ પોતે બનાવેલ કાર્ડ દ્વારા દાદા-દાદીનું સન્માન કરવામાં આવ્યું હતું.અંતે સ્કૂલ પરિવાર દ્વારા બનાવેલ સ્મૃતિ ચિહ્ન આપીને પ્રેમનું પ્રતીક અર્પણ કર્યું હતું.આ ઉપરાંત સુંદર ફ્રેમ જ્યાં તેઓ ફોટોગ્રાફ્સ ક્લિક કરી શકે છે અને તેમના પૌત્રો સાથે મેમરી બનાવી શકે છે.
આ પ્રસંગે શાંતિ જુનિયર્સ પ્રિ સ્કૂલના નિશાબેન ડાભીએ જણાવ્યું કે નાના બાળકો માટે દાદા દાદી જે કરે છે તે કોઈ કરી શકતું નથી. દાદા દાદી નાના બાળકોના જીવન પર સ્ટારડસ્ટનો છંટકાવ કરે છે. ક્યારેક આપણા દાદીમા અને દાદાજી ગ્રાન્ડ-એન્જલ્સ જેવા હોય છે. જે અમૂલ્ય વિશેષાધિકારને જાણતું નથી તે કોઈ પણ વ્યક્તિ કદાચ સમજી શકશે નહીં કે જ્યાં દાદા-દાદી હોય તેવા ઘરમાં ઉછરવું કેવું સૌભાગ્ય છે.