અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ભારત Vs પાકિસ્તાનની મેચ માટે ક્રિકેટ રસિયાઓ કોઈ પણ ભોગે ટિકિટ ખરીદવા તૈયાર થઈ રહ્યા છે. તો સામે આવા ક્રિકેટ પ્રેમીઓને ચૂનો લગડનારાં પણ સક્રિય થઈ ગયા. વિદ્યાર્થીઓ ઈન્સ્ટાગ્રામ પર ભારત Vs પાકિસ્તાનની ટિકિટ ખરીદી કરવા ગયા અને છેતરાયા. જેથી છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતા તેણે ફરિયાદ દાખલ કરાવી છે. હવે ખોટા આઈડી, ઇ-મેઇલ અને ટિકિટ દ્વારા લોકો પાસેથી પૈસા પડાવવાનો નવો કિમિયો જોવા સામે આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર PDPU કોલેજમાં અભ્યાસ કરતા રવિ તેજા પદ્મા નામના યુવકે સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. રવિ તેજાના મિત્ર નીલ પટેલના ઇસ્ટાગ્રામ આઇડીમાં આવેલી એક રીલમાં ભારત Vs પાકિસ્તાનની મેચની ઓનલાઇન ટીકિટ માટેની જાહેર ખબર આવી હતી. જેના પર મેસેજ કરીને ટીકિટ બાબતે મેસેજ દ્વારા પૂછપરછ કરતા તેણે એક ટીકિટના 3500 રૂપિયા ભાવ હોવાનું કહ્યું હતું. જો કે, ફરિયાદીએ 6 ટીકિટ લેવાની તૈયારી દર્શાવતા ગઠિયાએ 6 ટીકિટના 21 હજાર રૂપિયા માંગ્યા હતા અને કહ્યું હતું કે પ્રથમ 25 ટકા ભર્યા બાદ ઓનલાઇન ટીકિટ ઇમેઇલ દ્વારા મળશે અને ત્યારબાદ બીજી 50 ટકા રકમ ભર્યા બાદ ટીકિટ પોસ્ટ દ્વારા તમારા એડ્રેસ પર મોકલી આપવામાં આવશે. જ્યારે ટીકિટ મળી ગયા બાદ બાકીની 25 ટકા રકમ ચુકવવા માટે કહ્યું હતું.
ગઠિયાએ ઇસ્ટાગ્રામ પર વીડિયો કોલ કરીને ટીકિટ પણ બતાવી હતી. જેથી ફરિયાદીને વિશ્વાસ આવતા તેણે 25 ટકા રકમ એટલે કે 5250 રૂપિયા ગૂગલ પે કરી આપ્યા હતાં. જેથી ગઠિયાએ 6 ટીકિટ ઇમેઇલ મારફતે મોકલી આપી હતી. પરંતુ ફરિયાદીએ QR કોડ સ્કેન કરીને ચેક કરતા QR કોડ સ્કેન થયો નહતો. જેથી ફરિયાદીને તેની સાથે છેતરપિંડી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, બાકીના પેમેન્ટ માટે ગઠિયાએ ફરિયાદીને મેસેજ અને વીડિયો કોલ કરીને જાણ કરતાં ફરિયાદી એ QR કોડ સ્કેન થતો નથી તેમ કહ્યું હતું. ત્યારબાદ ગઠિયાએ તેને કોઈ મેસેજ કે વીડિયો કોલ કર્યો નહોતો. જે અંગે ફરિયાદીએ પોલીસને જાણ કરતાં સાયબર ક્રાઇમએ ફરીયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.