અમદાવાદ : અમદાવાદ શહેરમાં SG હાઇવે પર અકસ્માતોના આંકડા વધી રહ્યાં છે. ઈસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માત બાદ SG હાઇવે લોકો માટે મોતનો હાઈવે બની રહ્યો છે.બેફામ ડ્રાઈવિંગના કારણે અવાર નવાર માસૂમ લોકોના મોત થવાના કિસ્સાઓ સામે આવતો હોય છે, ત્યારે SG હાઇવે તો જાણે નબીરાઓ માટે બેફામ ડ્રાઈવ કરવાનો રસ્તો હોય તેમ અવાર નવાર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વધુ એક વખત SG હાઇવે પર સોલા હાઇકોર્ટ સામેના બ્રિજ પર અકસ્માત સર્જાયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના SG હાઇવે પર સોલા હાઇકોર્ટ સામેના બ્રિજ પર એક કાર ચાલકે યુવકને ટક્કર મારતા યુવકનું કમકમાટી ભર્યું મોત થયું છે. આ સમગ્ર મામલે કાર ચાલકની ટ્રાફિક પોલીસે અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવક ઉત્તરપ્રદેશના બુલંદ શહેરથી 15 દિવસ પહેલા જ અમદાવાદ આવ્યો હતો. આમ વધુ એક વખત SG હાઇવે પર અકસ્માત બાદ તંત્રની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ અગાઉ SG હાઇવે પર આવેલા પકવાન બ્રિજ પર આઈસર ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં આઈસર ટ્રકનું ટાયર ફાટતા રોડની એક તરફ લઈ જતી વખતે ટ્રાવેલ્સ બસ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને કારણે ડિવાઈડર પર આવેલા લાઈટનો થાંભલો ધરાશાયી થયો છે. અત્રે જણાવી કે, આ અગાઉ પણ SG હાઇવે પર તથ્ય પટેલે સર્જેલો અકસ્માત સહિત અનેક બનાવો બન્યા છે.