અમદાવાદ : અમદાવાદમાં શનિવારે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IND vs PAK વચ્ચે મહામુકાબલો ખેલાયો હતો. જેમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમની ભવ્ય જીત થઈ છે. આ જીત સાથે ગુજરાતમાં નવરાત્રિ સાથે દિવાળી જેવા માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાં ફટાકડાં ફોડી ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IND vs PAK વચ્ચે મહામુકાબલાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાનની ભૂંડી હાર થઈ હતી. ત્યારે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર ટ્રાફીક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. શહેરના નારણપુરા વિસ્તારમાં ધારાસભ્ય જીતુભાઈ પટેલની આગેવાનીમાં અંકુર ચાર રસ્તા પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ફટાકડા દ્વારા ભવ્ય આતબાજીનો કાર્યક્ર્મ યોજાયો હતો. આ ઉપરાંત અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય અમીત શાહ દ્વારા તેમના મતવિસ્તાર એલીસબ્રીજ વિધાનસભામાં ભારતની જીતની ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં ભારતના ભવ્ય જીતની ઉજવણી કરતાં એસપી રીંગ રોડથી એસજી હાઇવે તરફનો સિંધુભવન રોડ પર ચક્કાજામથી ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતાં.આ ઉપરાંત શહેરના પુર્વ વિસ્તાર ખાડિયામાં પણ પૂર્વ ધારાસભ્ય અને શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટની આગેવાનીમાં પણ લોકોએ ફટાકડા ફોડી ભારતના ભવ્ય જીતની ઉજવણી કરી હતી. આ ઉપરાંત સરસપુર, બાપુનગર સહિતના વિસ્તારોમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભારત અને પાકિસ્તાનની મેચ જોવા સ્ટેડિયમમાં ગયા હતા. ભારતની શાનદાર જીત બાદ મુખ્યમંત્રીએ X(ટ્વિટર) પર ભારતીય ટીમના ખેલાડીઓ અને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.